ગુજરાત
News of Wednesday, 24th February 2021

પન્ટરોએ ભાજપ તરફી જ દાવ ખેલ્યો હોય બુકીઓએ માથે ઓઢીને રોવાનો આવ્યો વારો

ભાજપ જીતે છે એ માટે ૫૧ થી ૫૩ સીટનો જ જુગાર વધુ રમાયો હોય જે બુકીઓએ સોદાઓનું ઉપર 'કટિંગ' ન કરાવી શકયા હોય તેઓ ધોવાયા : સંસદ અને ધારાસભા ચૂંટણીઓ કરતાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જુગાર થોડો ઓછો રમાતો હોય છે અને રમવાવાળાઓ પણ જુગારીઓ કરતાં સ્થાનિક રાજકારણીઓ વધુ હોય છે જેથી મનપાની ચૂંટણી બુકીઓ માટે રહી કમનશીબ

રાજકોટ તા. ૨૪ : મનપાની ચૂંટણીમાં ભાજપનો ભગવો ભયંકર રીતે લહેરાયો હોય મોટા ભાગના બુકીઓ કરોડોમાં ધોવાયા હોવાનું જાણવા મળે છે ખાસ કરીને રાજકોટનું બુકીઓએ ભાજપને ૫૧ થી ૫૩ સીટનું (સેશન) અંદાજ કાઢ્યો હોય અને મોટા ભાગના જુગારીઓએ ભાજપ જીતે છે ૫૧ સીટ ભાજપ લઈ જાય છે તેવા મતલબના દાવ ખેલ્યો હોય મોટા ભાગના દાવ લગાવનારા જીત્યા હોય બુકીઓને ૨૦ થી ૨૫ કરોડનું નુકશાન થયાનો અંદાજ માનવામાં આવે છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સંસદ અને ધારાસભા કરતાં  જુગાર ખેલનારાઓ ઓછા હોય છે, અને જે જુગાર રમતા હોય તેમાં પણ પન્ટરો કરતાં સ્થાનિક રાજકારણીઓ વધારે હોય છે સ્થાનિક રાજકારણીઑની સંખ્યા પણ ભાજપમાં વધારે હોય જુગારમાં એવી પ્રણાલી છે કે જે તે રાજકારણીઓ પોતાના પક્ષ ઉપર જ દાવ ખેલતા હોય છે આવું જ કઈંક તાજેતરની ચૂંટણીમાં અને પરિણામમાં બન્યું હોય બુકીઓએ માથે ઓઢીને રડવાનો વખત આવ્યાનું મનાઈ છે.

ખાસ કરીને રાજકોટની ચૂંટણીમાં લાગેલા દાવમાં એવું બન્યુ છે કે બુકીબજારએ ભાજપને ૫૧ બેઠક મળે છે અને ૫૩ બેઠક મળવી નથી એવી બાબતનાં કાઢેલા ભાવ ઉપર મોટા ભાગનાં પન્ટરો તથા રાજકારણીઓએ સોદા કર્યા હતા અને પરિણામ પણ ભાજપ તરફી જોરદાર આવતા મોટા ભાગનાં સોદાબાજોને બખાં થઈ ગયા હતા.

જાણવા મળતી વિગત મુજબ જુગારનાં જે સોદાઓ થતાં હોય છે તેમાં સ્થાનિક બુકીઓ ઉપર એટલે કે રાષ્ટ્રીય બુકીઓ પાસે સોદાઓનું કટિંગ કરાવતા હોય છે એટલે કે પોતાનો થોડો ગાળો રાખી અને ઉપર રિવર્સ સોદા કરી નાખતા હોય છે જેથી ચુકવણા સમયે પોતાના ઉપર જોખમ ઓછું રહે પરંતુ તાજેતરની ચૂંટણીમાં જે રીતનું મતદાન થયું હતુ તેને લઈને મતદાન બાદ બુકી બજારએ એવો અંદાજ કાઢ્યો હતો કે ૨-૩ બેઠકો ભાજપની ઓછી આવશે પરંતુ ૫૧ -૫૩ ની જગ્યાએ ૬૮ બેઠકો આવતા તમામ સોદાઓમાં બુકીઓએ પન્ટરોને પૈસા ચૂકવવાનો વખત આવ્યો  હતો. ખાસ કરીને જે લોકોએ થયેલા સોદા ઉપર કટિંગ કરવાના બદલે પોતાની પાસે રાખ્યા હતા તેવા બુકીઓનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

રાજકોટનાં કેટલાય સ્થાનિક મોટા માથા રાજકારણીઓએ પણ મોટા દાવ રમી નિશ્ચિત મનાતી મલાઈ પોતાના ગજવામાં સેરવી લીધાની ચર્ચા છે.

મહાનગરપાલિકાનાં ચૂંટણી પરિણામોએ રાજકોટ સંહિત ગુજરાતભરનાં બુકીને નવડાવ્યા

ગઈકાલે રાજ્યનાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોએ જુગારી આલમમાં અફડાતફડી મચાવી દીધી છે કઈંકનાં મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા છે તો ઘણા હારેલા પન્ટરો પાસેથી પૈસા કઢાવવાનાં કામે લાગી ગયા છે ગાઈકાલે ભાજપનું વાવાઝોડું આવતા કઈક બુકીઓ રાતે પાણી એ રડ્યા છે જોકે બુકી બજારમાં થયેલા સોદાઓનું વલણ ચૂકવવું જ પડે જેથી કઈંક બુકીઓ રાતો રાત રૂપિયાની જોગવાઈમાં લાગી ગયા છે

રાજકોટમાં જ બુકીઓ ધોવાયા છે અને પન્ટરો કમાયા છે એવું નથી ગુજરાત ભરમાં બુકીઓ ધોવાયા છે કેમ કે તમામ મહાનગપાલિકાઓમાં ધાર્યા કરતાં ભાજપ માટે સારું પરિણામ આવતા દાવ લગાવનારાઓ કમાયા છે અને વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના જુગારિયાઓ ભાજપ જીતે છે તેના ઉપર જ દાવ લગાવ્યો હતો પરિણામ બુકીઓને આવક કરતાં જાવક વધુ થતાં રાજ્યભરનાં બુકીઓની પરિસ્થિતિ હાલ કફોડી થયાના અહેવાલો મળે છે.

અંદરોઅંદર ગ્રૂપમાં થયેલા મોટા સોદાઓમાં અપસેટ સર્જાતાં માથાકૂટ અને વિવાદો

ગઈકાલનાં ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક અને વધુ પડતા ચોંકાવનારા આવતા બુકી બજારમાં તો બુકીઓને ગુજરાત ભરમાં કરોડોનું નુકશાન થયું છે, પરંતુ રાજકોટમાં બુકી બજારમાં નહિ પરંતુ  અંદરોઅંદર વ્યકિતગત સોદાઓમાં મોટી રકમની હાર-જીત થતાં કઈંક જગ્યાએ માથાકૂટ અને વિવાદો થયાનાં વાવડ મળે છે રાજકોટમાં છાનાંખૂણે એવા ડઝન એક પોઈન્ટ છે જ્યાં જુગારિયાઓ રેગ્યુલર મળતા હોય અને નિતનવી બાબતોએ જુગારનાં ખેલ પાડતા હોય છે.

(11:52 am IST)