ગુજરાત
News of Monday, 24th February 2020

બંધન બેંકમાં લૂંટારાઓ એક કરોડની લૂંટ ચલાવી પલાયન

બંધન બેંકના કર્મચારીઓને બંધક બનાવી લૂંટ : રવિવારના દિવસે પણ બેંકને ચાલુ રાખવામાં આવી હતી બંદૂક અને ચપ્પા જેવા ખતરનાક શસ્ત્રો સાથે બેન્કમાં લૂંટ

અમદાવાદ, તા.૨૩ : આણંદના સો ફુટ રોડ પર આવેલી બંધન બેંકમાં આજે રવિવારે પણ ત્રણ લૂંટારા શખ્સોએ સનસનાટીભરી લૂંટને અંજામ આપ્યો હતો. સવારના સમયે ત્રણ શખ્સોએ બંદૂક અને ચપ્પા જેવા ઘાતક હથિયારો સાથે બેંકમાં પ્રવેશ મેળવી બેંકના કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં રૂ.એક કરોડથી વધુ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જિલ્લા પોલીસે લૂંટની જાણ થતાં ઠેર-ઠેર નાકાબંધી કરી આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આણંદના સો ફુટ રોડ પર આવેલી બંધન બેંક આજે રવિવાર હોવાછતાં ચાલુ રહી હતી.

        જેનો લાભ ત્રણ જેટલા શખ્સો આજે સવારે બંદૂક, ચપ્પા જેવા હથિયારો સાથે બેંકમાં પ્રવેશ્યા હતા અને બંદૂક-ચપ્પાની અણીએ બેંકના કર્મચારીઓને લોકરમાં પૂરી દીધા હતા. જે દરમ્યાન બે મહિલા અને એક પુરૂ કર્મચારીઓએ લૂંટારા શખ્સોને રોકવાનો પ્રયાસ કરતાં તેમણે કર્મચારીઓને હુમલો કરી ઇજા પહોંચાડી હતી. લૂંટારાઓ કર્મચારીઓને બંધક બનાવ્યા બાદ સ્ટ્રોંગ રૂમમાંથી રોકડરકમ, સોનું સહિત રૂ.એક કરોડથી વધુની લૂંટ કરી ગણતરીની મિનિટોમાં ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. પોલીસે કર્મચારીઓની પૂછપરછ અને માહિતીના આધારે આરોપીઓને પકડવા ઠેર-ઠેર નાકાબંધી કરી તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે.

(9:37 pm IST)