ગુજરાત
News of Sunday, 24th January 2021

ફેશન ડિઝાઈનર પૂજા ગ્લેમરને છોડી સંયમના માર્ગે પ્રયાણ કરશે: મેં મહિનામાં લેશે દીક્ષા

સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બનશે.

સુરત : જૈન સમાજમાં દિક્ષાનું ખૂબ મહત્વ છે, ત્યારે દિક્ષાનગરી તરીકે પણ સુરત જાણીતું છે, કારણે અનેક યુવાઓ સહિતના લોકોએ સુરતમાં દીક્ષા લીધી છે. ત્યારે વધુ એક ગ્રેજ્યુએટ યુવતી આગામી સમયમાં દીક્ષા લેવા જઈ રહી છે. 24 વર્ષની યુવતી આગામી મે મહિનામાં દીક્ષા લઈ સંયમના માર્ગે પ્રયાણ કરશે. મહત્વનું છે કે ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી આ દિકરીને આચાર્ય રત્નચંદ્રસૂરી મહારાજે દીક્ષા મુહૂર્ત આપ્યું હતું.

સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં મહેતા પરિવારની રહે છે, આ પરિવારમાં રહેતી 24 વર્ષની પૂજા ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહી છે. પૂજાએ પાલ વિસ્તારમાં આવેલી ગુરૂ રામપાવનભૂમિ ખાતે ગતચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજ્ય અભય દેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય વિજય રત્નચંદ્ર સુરીશ્વરજીની નિશ્રામાં દિક્ષાનું મુહૂર્તગ્રહણ કરાયું હતું. પૂજા આગામી 15 મે, 2021ના રોજ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. મહત્વનું છે કે ફેશન વર્લ્ડ સાથે જોડાયેલી પૂજા સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બનશે.

 

દીક્ષા લેવા જઈ રહેલી પૂજાએ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને સાથે જ ગ્લેમરસ ક્ષેત્રે રસ પણ ધરાવે છે, તે હાલ ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહી છે. જોકે હવે તે સંસારની મોહમાયા છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષથી તે દીક્ષાની યોગ્યતા કેળવવા માટે મહારાજ સાહેબ પાસે રહી હતી. પૂજાના પિતા ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે અને માતા ઘરકામ કરે છે. મહત્વનું છે કે તેમની મોટી બહેને સાત વર્ષ પહેલાં દીક્ષા ધારણ કરી છે. પૂજા મણીલક્ષ્મી તીર્થ મુકામે આચાર્ય રત્નચંદ્રસૂરી મહારાજના હસ્તે દીક્ષા લેશે.

પૂજાએ જણાવ્યું હતું કે ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી ત્યારે અચાનક એક દિવસ તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હતી. જેથી તેને તેના મમ્મી પપ્પાને વાત કરી હતી, તેમને પણ ઈચ્છા હતી કે, પૂજા દીક્ષાનો માર્ગ અપનાવે, જેથી તેને આ નિર્ણય કર્યો છે. પરિવારની સંમતિ બાદ જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 મેના રોજ પૂજા દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે

(6:49 pm IST)