ગુજરાત
News of Friday, 24th January 2020

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મામલે નીતિન પટેલે કહ્યું -કોઈ નારાજગી નથી,તેમનો સ્વભાવ ઉગ્ર છે

જનપ્રતિનિધિ કાયદો હાથમાં ન લે તે આવશ્યક: આવું ન થાય તે જોવાની જવાબદારી પણ અમારી છે

રાજકોટ : ભાજપમાં નારાજ ધારાસભ્યોની વણઝાર વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ ખાતે જણાવ્યું હતું કે ' મધુ શ્રીવાસ્તવ અમારા 'સિનિયર નેતા છે અને તેમનો સ્વભાવ ઉગ્ર છે, જોકે તેમના મનમાં કઈ ખરાબ નથી હોતું. મધુભાઈની લાગણી છે કે વડોદરાના મહાદેવ તળાવમાં હનુમાનજીની મૂર્તિ બને, ધારાસભ્ય પોતાના વિસ્તારમાં મનગમતા કામ કરાવવા માંગતા હોય છે નારાજ નથી હોતા. જોકે, મધુભાઈની માંગણીને હાઇકોર્ટની માર્ગદર્શિકા અનુરૂપ પુરી કરવાની થાય છે. કોઈ પણ જનપ્રતિનિધિ કાયદો હાથમાં ન લે તે આવશ્યક છે. અને આવું ન થાય તે જોવાની જવાબદારી પણ અમારી છે.

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલ વિભાગમાં તેમનું કામ અટવાયેલું હોવાથી નારાજગી વ્યકત કરી હતી અને ગાંધીનગરમાં મંત્રી કૌશિક પટેલ તેમને ધક્કા ખવડાવતા હોવાની રજૂઆત કરી હતી. શ્રીવાસ્તવે ઉમેર્યુ હતું કે મંત્રીઓ મહિલાઓ ધારાસભ્યોને નથી ગાંઠતા અને બધા ચૂંટાયેલા અધિકરીઓ ગાંધીનગરમાં પૂનમ ભરે છે.

(4:03 pm IST)