ગુજરાત
News of Wednesday, 23rd December 2020

ગોરા બ્રીજ નવો બનતા કેવડીયા રૂટની બસો બંધ કરી દેવાતા 20 થી વધુ ગામોના મુસાફરોને મુશ્કેલી

ગોરા કેવડિયા રૂટની તમામ બસો ચાલુ થાય એવી માંગ, બસો બંધ થતા ખાનગી વાહનોએ ભાડા વધારી દીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા નદી પરનો ગોરા બ્રીજ તોડી નવો બ્રીજ બન્યા બાદ કેવડિયા થઇ જતી બસો બંધ કરી દેવામાં આવી છે. ગોરા કેવડિયા રૂટની બસો બંધ થતા ભાણાદરા,ભીલવાસી,શકવા, બોરિયા,પીપરીયા, ઇન્દ્રવર્ણા, ઉમરવા, ગોરા, ઝરવાની, ધીરખાડી, બારખાડી, નવાગામ, લીમડી વગાડીયા, સહિતના 20 થી વધુ ગામોના સ્થાનિક ગ્રામજનો, નોકરિયાત વર્ગ, ખેડૂતોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે

 ખાસ કરીને રાજપીપલા અંબાજી,રાજપીપલા લુણાવાડા, કડી કસવા નવસારી-કેવડિયા, ઉકાઈ કડાણા ડેમ, સાથે લોકલ બસોમાં રાજપીપલા માંકડ આંબા, રાજપીપલા ઝેર, તણખલા, રાજપીપલા કેવડિયા સહીત અનેક બસો વાયા કેવડિયા ગોરા થઇ ને જતી હતી છેલ્લા 8 મહિના થી આ રૂટની બસ બંધ કરી દેવામાં આવી છે. જૂનો ગોરા બ્રીજ તોડી નાખ્યા બાદ આ તમામ રૂટની બસ બંધ કરવામાં આવતા મુશ્કેલી ઉભી થઇ છે માટે આ રૂટની તમામ બસો ચાલુ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
 રાજપીપલાથી વાયા ગોરા કેવડિયા રૂટ બંધ થતા આજુબાજુના 20 થી વધુ ગામોને અસર પડી છે.હાલ આ તમામ ગામોના હજારો લોકો રોજના અવરજવર કરે છે પરંતુ ખાનગી  વાહનો છગડા, જીપ, ટેમ્પાના સહારે મુસાફરી કરે છે. જે ખાનગી વાહનો પહેલા રાજપીપળાથી  કેવડિયાના 20 રૂપિયા લેતા હતા. હાલ બસો બંધ થતા ખાનગી વાહનોએ 40 રૂપિયા લેવામાં આવે છે. એટલે ભાડા ડબલ કરી દીધા છે લોકોએ મજબૂરી માં મુસાફરી કરવાનો વારો આવે છે.

(11:13 pm IST)