ગુજરાત
News of Tuesday, 23rd November 2021

સુરતના વેસુના કોફી શોપમાં બેભાન હાલતમાં મળેલ 2 કોલેજીયન યુવતિઓમાંથી એકનું મોતઃ વિધર્મીએ ઝેર આપી મારી નાખ્‍યાનો પરિવારજનોનો આક્ષેપ

વિદ્યાર્થીનીનું મોત થતા યુવક સારવાર સ્‍થળેથી ફરાર થઇ ગયો

સુરત: વેસુના એક કોફી શોપમાં બેભાન હાલતમાં મળી આવેલા કોલેજિયન વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીમાંથી એકનું મોત નિપજ્યું છે. બીજી બાજુ પરિવારજનોએ વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાખ્યાનો આક્ષેપ કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. બીએડની વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારે આરોપ મુકતા પોલીસે તપાસ આદરી છે. પરિવારે આક્ષેપ કરતા ખટોદરા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વેસુના એક કોફી શોપમાં બે કોલેજિયન યુવક યુવતી મળી આવ્યા હતા, જ્યાં તેમને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સિવિલના ડોક્ટરોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરતા સાથી યુવક સારવાર છોડીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ વિદ્યાર્થિનીને લઈને હવે કેટલાંક પ્રશ્નો સામે આવ્યા છે. બીજી બાજુ આ ઘટનામાં ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કોફી શોપમાં બેભાન હાલતમાં મળી આવેલી યુવતી બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. યુવતી સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળ્યા પછી સાંજે સુધી પાછી ન ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો. યુવતીને ફોન કરતા તેનો ફોન બંધ આવતા દોડધામ મચી ગઈ હતી. પરિવારના સભ્યો કામરેજ કોલેજ પર જતાં કોલેજ બંધ હતી.

સોમવારે મોડીરાત્રે એક NGO અને પોલીસે યુવતીનું મોત થયું હોવાનું પરિવારને જણાવ્યું હતું. પરિવાર માટે આ સમાચાર આધાતરૂપ હતા. ત્યારબાદ પોલીસે યુવતીની કોલેજ બેગ અને મોપેડ આપી હતી. પરંતુ બીજી બાજુ યુવતીના મિત્રોએ જણાવ્યું હતું કે તેણીની કોલેજમાં સાથે અભ્યાસ કરતો વિધમી વિદ્યાર્થી તેણે મેસેજ કરી હેરાન કરતો હતો. યુવતીને લઈને એક પછી એક રહસ્યો ખોલતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા યુવક અને યુવતીને લઈને ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે 108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થીઓને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ સાંભળી સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો.

(4:56 pm IST)