સાબરકાંઠાના વડાલીમાં દેશી દારૂની હાટડી પર જનતા રેડ : પોટલીઓના ઢગલે-ઢગલા: પોલીસની પોલ ખૂલી
ગ્રામજનોએ વિડિયો ઉતારી જનતા રેડ કરી સોશિયલ મીડિયાનો સહારે વીડિયો વાયરલ કર્યો: પોલીસ ઘટનાસ્થળે પહોંચતા બુટલેગર ફરાર
સાબરકાંઠાના વડાલીમા દેશ દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી છે. કોઇ નક્કર કામગીરી ન કરવામાં આવતા ગ્રામજનોએ વિડિયો ઉતારી જનતા રેડ કરી સોશિયલ મીડિયાનો સહારે વીડિયો વાયરલ કર્યો હતો. જો કે રહી રહીને જાગેલી પોલીસ જનતા રેડની સાથે દરોડા પાડવા પહોંચી ગઈ હતી પણ બુટલેગર ફરાર થઇ ગયો હતો.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘરમાં તમામ જગ્યાએ દારૂની પોટલીઓ છે. આ દ્રશ્યો દારૂબંધીના દંભની વાતો કરતાં એ નેતાઓ માટે છે જે કહે છે કે ગુજરાતમાં દારૂ વેચાતો નથી અને પીવાતો નથી. વડાલી સિવિલ પાસે દેશી દારૂ વેચાણ પર જનતા આખરે જાગી છે અને રેડ કરી બુટલેગરના ધંધાનો પર્દાફાશ કર્યો છે. આવા તો ગુજરાતના કેટલાય ગામડાઓ હશે જ્યાં દારૂની હાટડીઓ હપતારાજમાં ફૂલીફાલી રહી છે અને યુવાનોને નશાના રવાડે ચડાવી રહી છે. હાલ તો પોલીસ ઘટનાસ્થળે પહોંચતા બુટલેગર ફરાર થઈ ગયો છે ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઇ છે. પરંતુ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો જપ્ત થતાં અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.