ગુજરાત
News of Monday, 23rd November 2020

વાપીમાં અન્યના ઝઘડામાં વચ્ચે પડતા અસામાજીક તત્વોએ જાહેરમાં યુવકને ઢોરમાર માર્યોઃ સોશ્યલ મીડીયામા વિડીયો વાયરલ

વલસાડ : ઔદ્યોગિક નગરી વાપીમાં છેવાડે આવેલા બલીઠા વિસ્તારમાં એક ભંગારના ગોડાઉન માલિકે પોતાનાં ચાલીના માલિકના દીકરા સાથે અન્ય વ્યક્તિઓનાં ઝગડામાં વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ ભારે પડ્યો હતો. ઝગડામાં વચ્ચે પડી છુટા પાડવાની અદાવતમાં  અસામાજીક તત્વોએ જાહેરમાં ઢોર માર મારી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

બલીઠા વિસ્તારમાં જાહેર માર્ગ પર એક યુવક પર જીવલેણ હુમલાના સીસીટીવી દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુક્યો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ ચારથી વધારે શખ્સો એક યુવક પર જીવલેણ હુમલો કરી તેને જાહેરમાં જ રસ્તા પર ઢોર માર મારી રહ્યા છે. 

આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જો કે હવે વાયરલ વીડિયો મુદ્દે ભોગ બનનારા યુવકે પોલીસ ફરિયાદ કરી છે. જાહેરમાં મારનો ભોગ બનેલા યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની વિગતે વાત કરીએ તો વાપીના બલીઠા વિસ્તારમાં ભંગારના ગોડાઉન ચલાવતા અમજદ મોહમ્મદ સફી ખાન નામના એક વ્યક્તિ તેની ચાલીના માલીકના દિકરાની ચાલીમાં રહેતા અન્ય લોકો સાથે ઝગડો થયો હતો. 

ભોગ બનેલા અમજદ મોહમ્મદ સફી ખાન વચ્ચે પડી બંન્ને પક્ષોને છુટા પાડ્યા હતા. ધક્કામુક્કી બાદ મામલો શાંત પડ્યો હતો. જો કે ત્યારબાદ ફરિયાદી અને મોહમ્મદ સફી ખાન બલીઠા વિ્તારમાં જાહેર રસ્તા પરથી પસાર થતો હતો તે વખતે ત્રણથી ચાર યુવકો અને તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો. જાહેર રસ્તા પર ઢોર માર માર્યો હતો. આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. હાલ મોહમ્મદ સફી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા વાપી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી છે.

(5:30 pm IST)