ગુજરાત
News of Monday, 23rd November 2020

ભિલોડા તાલુકાના લીલછા ગામે પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસનો સહારો લીધો

ભિલોડા:તાલુકાના પાલ્લા ગામના ભાવનાબેન સોલંકીને વર્ષ ૧૯૯૭માં તાલુકાના લીલછા ગામે પરણાવ્યા હતા. જરૂરી અભ્યાસ બાદ ભાવનાબેન ને કચ્છ જિલ્લાના ગુંદાલાતા.મુન્દ્રા શિક્ષિકાની નોકરી મળતાં તેઓ તેમના પતિ હિતેશભાઈ સોલંકી સાથે છેલ્લા ૧૫ વર્ષ થી ગુંદાલા રહેતા હતા. દારૂ પીવાની ટેવ વાળા પતિ દ્વારા અવાર નવાર પરણિતાને ત્રાસ અપાતો હતો.પરંતુ પિતા અને પિયરીયાઓની આબરૂને લઈ બે સંતાનોની માતા બધુ મુંગે મોંઢે સહન કરતી હતી. પરંતુ વારંવાર દારૂ ઢેંચી ઘરમાં પૂરાઈ ઘર બંધ કરી દેતા પતિ હિતેશ દ્વારા આત્મહત્યા કરી લેવાની ધમકી અને સંતાનોને મારઝૂડથી ૪૧ વર્ષિય યુવતી ત્રસ્ત બની હતી. પરંતુ ત્રાસની હદ તો ત્યારે આવી કે દારૂડીયા પતિ દ્વારા શિક્ષિકા પત્નિને તારી ઉપર બળાત્કાર કરાવીશ એવી ધમકી આપતાં બે સંતાનો ની માતા હચમચી ગઈ હતી. અને છેલ્લા કેટલાય વર્ષોથી પતિ દ્વારા અપાતો ત્રાસ,મારઝૂડ અને જાત જાતની ધમકીઓ સહન નહી થતાં આખરે કંટાળી પરણીતા શામળાજી પોલીસ સટેશને પતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. શામળાજી પોલીસે ફરીયાદી ભાવનાબેન હિતેશભાઈ સોલંકી રહે.ગુંદાલા,તા.મુન્દ્રા મૂળ રહે.લીલછા (પાલ્લા)તા.ભિલોડા નાઓની ફરીયાદના આધારે આરોપી પતિ હિતેશભાઈ ગોવિંદભાઈ સોલંકી રહે.ગુંદાલા મૂળ રહે.લીલછા નાઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:03 pm IST)