ગુજરાત
News of Monday, 23rd November 2020

લગ્ન મ્હાલવાની ખુશી પર કોરોનારૂપી ગ્રહણ લાગ્યું

રાત્રી કરફયૂના કારણે ધડાધડ લગ્નો અને રિસેપ્શન રદ થવા લાગ્યાં

ફરાસખાના, ફોટોગ્રાફર, કેટરર્સ, બેન્ડ અને પાર્ટી પ્લોટના સંચાલકોની હાલત કફોડી

વડોદરા, તા.૨૩: શહેરમાં કોરોના વાઈરસની મહામારીના કારણે રાત્રે નવ વાગ્યે કરફ્યુ લાદવામાં આવતાં રાત્રીના લગ્નો અને રિસેપ્શન ધડાધડ રદ થવા લાગ્યાં છે. જેના કારણે ફરાસખાના, કેટરર્સ, ફોટોગ્રાફર,બેન્ડ, બગ્ગીવાલા, ઈવેન્ટ મેનેજમેન્ટવાળા, ડીજે અને પાર્ટી પ્લોટના સંચાલકોને જે આશાના કિરણ દેખાતા હતા, તે પણ અસ્ત થઈ ગયા છે. આ સાથે લગ્નનો આનંદ માલ્હવા માણતાં આયોજકોની ખુશી પર કોરોનારૂપી ગ્રહણ લાગી ગયુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯ના કારણે માર્ચ મહિનામાં એકાએક લોકડાઉન જાહેર કરાયું હતું. જેના કારણે એપ્રીલ અને મે મહિનામાં લગ્ન સહિતના સામાજિક પ્રસંગોનું આયોજન કરનાર આયોજકોને છેલ્લી ઘડીએ કાર્યક્રમો રદ કરી તારીખ પાછી ઠેલવી પડી હતી. જેમાં મોટાભાગના લોકોએ નવેમ્બર - ડિસેમ્બર સુધીમાં પરિસ્થિતિ થાળે પડી જશે, તેવું માની લગ્નોની તારીખ નક્કી કરી લીધી હતી. દરમિયાન અનલોક બાદ રાજય સરકારે સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોનું પાલન કરવાની શરતે લગ્નમાં ૨૦૦ મહેમાનોની છુટ આપી હતી. તેમાંય આ વર્ષે શુભ મુર્હત પણ ઓછા હોવાથી લોકોએ એડવાન્સમાં પાર્ટી પ્લોટ, રિસોર્ટ, વાડી અને મેરેજ હોલ બુક કરાવી લીધા હતા.

દિવાળી બાદ મેરેજ સિઝન ખુલતાં જ કોરોના વાઈરસે ભારે આતંક મચાવતાં ફરી પરિસ્થિતિ બેકાબુ બની હતી. જેના કારણે બે દિવસ પહેલા રાજય સરકારે એકાએક રાત્રે નવ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં રાત્રી કરફ્યુ જાહેર કરી દીધો. જેને લઈ ખાસ રાત્રીના લગ્ન રાખનારા અટવાઈ ગયા છે. હવે, તેઓ દિવસના મેરેજ રાખવા માટે હોલ, પાર્ટી પ્લોટ કે વાડી બુક કરાવવા જાય છે, તો કોઈને કોઈ ફકશનના કારણે તેમને જગ્યા મળતી નથી. જેથી ઘણાં ઓછા મહેમાનોની હાજરીમાં બીજા શહેર કે ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારમાં જઈને પણ લગ્નની વીધિ આટોપી રહ્યાં છે, તો કેટલાક દુરના લોકેશન મળતાં હોવાથી ત્યાં જવાનું રિસ્ક લેવા માંગતા નથી.

આખરે, બધી બાજુથી ભેરવાઈ ગયેલા અનેક આયોજકોને તેમના લગ્ન થતાં રિસેપ્શનના પ્રસંગ રદ કરવા પડી રહ્યાં છે. માત્ર વડોદરા શહેરની જ વાત કરીએ તો કોરોના વાઈરસના કહેર અને કરફ્યુના કારણે છેલ્લા ત્રણ દિવસમાં જ ૬૦ વધુ લગ્નો, રિસેપ્શન અને અન્ય પ્રસંગો રદ થયાં છે. જેને પગલે વેપારીઓએ એડવાન્સમાં લીધેલા રૂપિયા પાછા આપવા પડી રહ્યાં છે.

કોરોના વાઇરસ જે રીતે કહેર મચવ્યો છે, તે જોતાં લોકો પણ પ્રસંગમાં જતાં ગભરાઇ રહ્યાં છે. બીજી તરફ રાજય સરકારે બંને પક્ષના થઇ ૨૦૦ માણસોની જ મંજૂરી આપી હોવાથી આયોજકો માટે કોને આમંત્રણ આપવું અને કોને નહીં? તે સૌથી મોટો દુવિધાભર્યો પ્રશ્ન ઉભો થયો છે. જેથી અનેક લોકો ઘર-ઘરના અને નજીકના કુટુંબીજનો સાથે મળીને લગ્ન પ્રસંગની વીધિ આટોપી રહ્યાં છે.

ફરાસખાનાના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની હાલત છેલ્લા આઠ-નવ મહિનાથી કફોડી છે. દિવાળી પછી લગ્નની સિઝન જામશે. તેવી અમને પુરેપુરી આશા હતી. જોકે, અમારી આ આશા પર પાણી ફરી વળ્યું છે. જે ઓડર મળ્યા હતા. તે પણ કેન્સલ થવા લાગ્યાં છે. મજૂરોને બોલાવી તેમને બેઠો પગાર આપવો પડી રહ્યોો છે. તેમજ લગ્નના નાના - મોટા કામો સાથે સંકળાયેલા વેપારીઓને ગુજરાન ચલાવવાના પણ ફાફા થઈ ગયા છે. અમારી એટલી માંગ છે કે, સરકાર કરફ્યુના સમયને લઈ ફરી એકવાર વિચારણા કરે. જો, રાતે ૯ વાગ્યની જગ્યાએ ૧૧ વાગ્યે કરફ્યુનો અમલ કરાવે તો ૨૦૦ માણસનો કાર્યક્રમ પુરો થઈ શકે છે. લાલાભાઈ રયામવાલા, ફરાસખાના એસો અગણી.

અમારા રિસોર્ટમાં લગ્ન અને રિસેપ્શનના ૩૦ નવેમ્બર સુધીમાં જે પ્રોગામ બુક થયા હતા. તેમાંથી ચાર કેન્સલ થઈ ગયા છે. જેમાં આજે એક સ્સિપ્શન હોવાથી અમે ત્રણ દિવસ પહેલા જ મહેનત કરીને આખો સેટઅપ તૈયાર કર્યો હતો. પરંતુ કરફયુના કારણે છેલ્લી ઘડીએ રિસેપ્શન રદ થયું હતું. આ ઉપરાંત સવારે, સાંજે અને રાત્રે અલગ- અલગ પ્રોગામ રાખનાર લોકો પણ ડિસ્ટપ થઈ ગયા છે. હવે રાત્રે ફંકશન કરનારા દિવસે કરવા જાય છે, તો તેમને બુકીંગ મળતું નથી. અમે લોકોને સમજાવી રહ્યાં છે કે. ત્રણ-ચાર દિવસ નવી ગાઇડ લાઈનની રાહ જુઓ, પરંતુ ઘણાં લોકો માનવા તૈયાર નથી. જેના કારણે ધડાધડ બુકીંગો કેન્સલ થઈ રહ્યા છે. હરેશભાઈ બુધરાણી, બનિયન પેરેડાઈઝ

મારા નાનાભાઇ ધવલનું આજે દિવસે મેરેજ અને રાત્રે રિસેપ્શન હતું. અમે બે દિવસ માટે દુમાડ ચોકડી પાસેનો રિસોર્ટ બુક કરાવ્યો હતો. અમે ખુબ ઉત્સાહપુર્વક પ્રસંગનો આનંદ લેવા માંગતા હતા, પરંતુ એકાએક રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવતા અમારે રિસેપ્શન કેન્સલ કરવું પડ્યું હતું. તેમજ લગ્નનો જે બે દિવસનો કાર્યક્રમ હતો. તે પણ એક જ દિવસમાં પુર્ણ કરી દેવો પડ્યો, મોટાભાગે રિસેપ્શનનામાં રાતે ૯ વાગ્યા પછી જ મહેમાનો આવતાં હોય છે અને કરફ્યુમાં તેઓ આવે તો પોલીસની હેરાનગતિનો સામનો કરવો પડે. એટલે, અમે રિસેપ્શન રદ કરી નાખ્યું. જયેશ કજવાણી, વારસિયા

લોકડાઉન બાદ નવ મહિનાથી અમે ઘરે બેઠા છે. સરકારે લગ્ન પ્રસગમાં ૨૦૦ માણસોની મંજૂરી આપતા ધીરેધીરે લગ્ન પ્રસંગનો માહોલ જામી રહો હતો અને માંડ માંડ કામ ૧ મળવાના શરૂ થયા હતા. નવેમ્બર - ડિસેમ્બરમાં ઘણાં બધા પ્રસંગો હતા. જેથી મેં બિહાર અને રાજસ્થાનમાંથી ૬૦ માણસોને પણ બોલાવી લીધા હતા તેમની રહેવાની અને ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરી દીધી હતી. જોકે. કરફ્યુથી વડોદરા અને અમદાવાદના ૨૨ ઓડર કેન્સલ થતા લાખોનુ નુકસાન થયુ છે. જીગર પટેલ, કેટરસ.

(11:42 am IST)