ગુજરાત
News of Monday, 23rd November 2020

૪ મહાનગરોમાં આજથી રાત્રિ કરફ્યુ રહેશે : નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ

નાગરિકો માસ્ક પહેરે તે ખૂબ જરૂરી છે : નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ : પોલીસ દ્વારા કોર્ટ અન્વયે માસ્કની રકમ છે તે વસૂલવામાં આવશે : સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અપીલ

અમદાવાદ, તા. ૬  : ગુજરાતના મહાનગરોમાં દિવાળીની રજાઓમાં કોરોના સંક્રમણનાં કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતથી સોમવારે સવારે ૬ કલાક સુધી કરફ્યું લગાવવામાં આવ્યો છે અને વડોદરા, રાજકોટ, સુરતમાં પણ રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ નાજૂક પરિસ્થિતિમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિગનો અમલ કરે. નાયબમુખ્યમંત્રીની અન્ય મહત્ત્વની વાતચીતનાં મુખ્ય અંશો પર પણ નજરી કરીએ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાત કરતા જણાવ્યું કે, આવતીકાલથી એટલે સોમવારથી અમદાવાદનો સવારનો કરફ્યુ બંધ થઇ જશે. સવારે અમદાવાદ ફરીથી ધબકતુ થશે. આવતીકાલથી રાજ્યનાં ચારેય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ રહેશે. દંડ અંગે વાત કરતા નીતિન પટેલે જણાવ્યું કે, પોલીસ દ્વારા કોર્ટ અન્વયે જે પણ માસ્કની રકમ છે તે વસૂલવામાં આવશે, આપણે જોઇએ તો, સમજૂ, જાગૃત્ત, શિક્ષિત જવાબદાર વ્યક્તિઓ મોટાભાગે માસ્ક પહેરે છે અને જે કોઇએ માસ્ક ન પહેર્યું હોય કે નીકળી ગયુ હોય તેમને પોલીસ, વહીવટી તંત્ર દ્વારા રોકીને માસ્ક પહેરાવવાનું સમજાવાય છે અને દંડ પણ વસૂલવામાં આવે છે. નાગરિકો માસ્ક પહેરે તે ખૂબ જરૂરી છે. દંડ અગત્યની વસ્તુ નથી. દંડ લેવા સરકારે આ નિર્ણય નથી કર્યો પણ નાગરિકોની સલામતી માટે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેનો આ નિર્ણય છે.

માસ્ક અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, નાગરિકોને મારી વિનંતી છે કે, માસ્ક ફરજિયાત પહેરો, માસ્કમાં પણ રૂમાલ, દુપટ્ટો કે સાદુ કપડુ હોય તેનો પણ માસ્ક ચાલે. એટલે બધા જ પહેરે નિયમિત પહેરે એ મારી સૌને વિનંતી છે. સરકાર તો કાયદા ઘડે, વ્યવસ્થા કરે પરંતુ પ્રજાનો સહકાર જરૂરી છે. કોરોનાના નિયમો પાળવા તો આપણા માટે જ છે, આપણા જીવ માટે છે પરિવાર માટે છે. એટલે બધા જ માસ્ક પહેરે તે જરૂરી છે. કોરોનાના કેસ ઓછા થાય એટલે માસ્ક ન પહેરવું તેવું ન હોય, જ્યાં સુધી કોરોના નેસ્તાનાબૂદ ન થાય, તેનો અંત ન આવે ત્યાં સુધી આપણે માસ્ક પહેરવું જ પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ પડશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અમદાવાદનાં લોકોને કોરોના સારવાર માટે અન્ય જગ્યાએ કેમ ખસેડવામાં આવે છે તો, તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ પૂર્વથી નડિયાદ, વલ્લભવિદ્યાનગર પાસે પડે અને ત્યાં અધ્યતન સુવિધાઓવાળી હૉસ્પિટલ છે, સારા ડૉક્ટરો છે. આ સાથે આ બંન્ને વિસ્તારોમાં કોરોના સંક્રમણ પણ ઘણું ઓછું છે. જેથી સ્થાનિકો પણ ત્યાં વધુ નથી આવતા. આ બધી વ્યવસ્થા ટેમ્પરરી છે. વેક્સિન અંગે નાયબ મુખ્યમંત્રી અંગે જણાવતા કહ્યું કે, ચાર કંપનીઓની વેક્સિન ચોથા તબક્કામાં છે. થોડા સમયમાં આપણને વેક્સિન મળશે તેવા ઉજળા સંજોગો દેખાઇ રહ્યાં છે. વેક્સિન માટે પીએમ મોદી મંગળવારે સાંજે બધા રાજ્યનાં મુખ્યમંત્રી સાથે બેઠક કરીને કઇ રીતે દેશના તમામ નાગરિકો સુધી વેક્સિન પહોંચે તેની વ્યવસ્થા ગોઢવવાના આયોજન અંગે વાત કરવાના છે. એટલે જેવી વેક્સિન આવશે કે તરત તમામ લોકો સુધી પહોંચાડવાની કામગીરી પણ શરૂ થઇ જશે.

(9:19 pm IST)