ગુજરાત
News of Saturday, 23rd November 2019

નિત્યાનંદ કેસમાં સાધિકાઓને એફએસએલ લઈ જઈ તપાસ

ગેઝેટની બંને આરોપીઓની હાજરીમાં તપાસ : ડિઝીટલ લોકરની પણ તપાસ : આગામી દિવસોમાં ઘણી નવી વિગત મળે તેવી આશા : લોકરને ગેસ કટરથી તોડાશે

અમદાવાદ, તા.૨૩ : સનસનાટીપૂર્ણ અને ભારે ચકચાર જગાવનાર નિત્યાનંદ આશ્રમ મામલમાં ઉંડી તપાસનો દોર આજે પણ યથાવત રીતે જારી રહ્યો હતો. જેના ભાગરૂપે હવે જુદા જુદા ગેજેટોમાં તપાસ શરૂ થઈ ચુકી છે. આના ભાગરૂપે નિત્યાનંદ આશ્રમ મામલામાં આજે બંને આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને ગાંધીનગર ખાતે એફએસએલ લઈ જવાઈ હતી અને તેમની હાજરીમાં તપાસ આગળ વધી હતી. અગાઉ સર્ચ દરમિયાન નિત્યાનંદ આશ્રમમાંથી કબજે લેવાયેલા ગેઝેટની બંને આરોપીઓની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન કબજેમાં લેવામાં આવેલા ૧૪ લેપટોપ, ૪૩ ટેબલેટ અને મોબાઇલની તપાસમાં નિત્યાનંદના મોટા રાઝ ખુલે તેવી સંભાવના દેખાઈ રહી છે. ડીઝીટલ લોકરની તપાસ કરાઈ હતી. પાસવર્ડ ખોટા નાંખતા ડીઝીટલ લોકર ખુલ્યુ નથી. હવે ડીઝીટલ લોકરને પોલીસે પંચોની હાજરીમાં વીડીયો ગ્રાફી સાથે ગેસ કટરથી તોડવામાં આવશે.

            શહેરના હાથીજણના નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસની તપાસ યથાવત છે. પોલીસે આજે ડોનેશનને લગતા તમામ પુરાવાઓ લોકરમાં જ હોવાનું સામે આવ્યું છે. અન્ય લેપટોપ,ટેબ્લેટ્સ તથા કોમ્પ્યુટર એફએસએલને સોંપાયા છે. ડિઝીટલ લોકરને તોડવાના પ્રયાસ થશે, જેમાંથી મહત્વના રાઝ ખુલવાની શકયતા છે. ખોટા પાસવર્ડથી ડિઝીટલ લોકર હેંગ થઇ ગયું છે. ડિઝીટલ લોકરમાં મોબાઈલ અને કેટલાક ડોક્યુમેન્ટ હોવાનું પોલીસ કહી રહી છે. નિત્યાનંદિતા પાંચ ઓક્ટોબરે સોનાલી બોર્ડરથી નેપાળ ભાગી ગઈ છે. તેના પાસપોર્ટના આધારે જાણ થઈ કે નિત્યનંદિતા નેપાળ થઈને ફરાર થઈ છે. વિદેશ ભાગેલા વિવાદાસ્પદ ગુરુ નિત્યાનંદની ધરપકડ માટે પોલિસ તેના અમદાવાદ સ્થિત આશ્રમથી મળી આવેલ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સની તપાસમાં લાગી ગઈ છે. વિદેશ ભાગેલા વિવાદાસ્પદ ગુરુ નિત્યાનંદની ધરપકડ માટે પોલીસ તેના અમદાવાદ સ્થિત આશ્રમથી મળી આવેલ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સની તપાસમાં લાગી ગઈ છે.

          આશ્રમમાં ચાલેલ સર્ચ ઑપરેશનમાં એસઆઈટી (સ્પેશિયલ ઈનવેસ્ટીગેશન ટીમ)ને ૪૩ ટેબલેટ, ૧૪ લેપટૉપ, ૪ મોબાઈલ અને પેન ડ્રાઈવ વગેરે વસ્તુઓ મળી હતી. એ તપાસ  કરવામાં આવી રહી કે કોણ કોણ તેનો ઉપયોગ કરતા હતા. અમદાવાદ ગ્રામીણ ડીવાયએસી કે ટી કામરિયાએ જણાવ્યુ કે, હાલમાં રિમાન્ડ પર લેવામાં આવેલી ૨ સાધ્વીઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજીબાજુ, નિત્યાનંદના પાસપોર્ટની સમયસીમા ખતમ થઈ ગઈ છે, તેથી એવી પણ શકયતા વ્યકત થઇ રહી છે કે, તેણે કોઈ બીજા દેશનો પાસપોર્ટ બનાવી લીધો હોય. હાથીજણ પાસેના નિત્યાનંદ આશ્રમમાંથી કથિત રીતે ગાયબ થયેલી યુવતીઓ અને બાળકોને છુપાવી રાખવા બાબતે થોડા દિવસો અગાઉ ફરિયાદ નોંધવામાં આવી હતી.

નિત્યાનંદની બે વિશ્વાસપાત્ર સાધિકાઓ હરિણી ચેલપ્પન ઉર્ફે મા નિત્ય પ્રાણપ્રિયા નંદા (ઉ.વ.૩૦) અને રિદ્ધિ રવિકિરણ ઉર્ફે મા નિત્ય પ્રિયાતત્વા નંદા (ઉ.વ.૨૪)ની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવી છે. પોલીસ બંને સાધિકાઓની પૂછપરછના આધારે મહત્વની કડીઓ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

(9:40 pm IST)