ગુજરાત
News of Saturday, 23rd November 2019

આણંદ તાલુકાના સંદેશર ગામે વ્યાજનો ધંધો કરનાર યુવકની ભેદી સંજોગોમાં હત્યા:ખેતરમાંથી લાશ મળી આવતા ચકચાર

આણંદ: તાલુકાના સંદેશર ગામે રહેતા મુળ મધ્યપ્રદેશના પાણીપુરી અને વ્યાજે પૈસા ધીરવાનો ધંધો કરતા એક યુવાનની ગઈકાલે રાત્રીના સુમારે અગાસ રોડ ઉપર આવેલા ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા હત્યારાઓએ યુવાનના માથાના પાછળના ભાગ ેલોખંડના સળિયાના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મીહોના તાલુકાના મછંડ તલા મહોલ્લા ખાતે રહેતો દયવીરસિંહ ટીલ્લુભાઈ કુશવાહા (ઉ. વ. ૩૪)છેલ્લાં ૧૮ વર્ષથી સંદેશર ગામે આવેલા સરપંચ નીતીનભાઈ ઘર પાસે આવેલી ઓરડીમાં પત્ની સુનિતા પુત્રી પૂજા, પુત્ર અંકીત અને પુત્રી નિશા સાથે રહે છે. છેલ્લાં ૧૫ વર્ષથી તેનો નાનો ભાઈ માધવસિંહ ઉર્ફે સુનીલ પણ તેમની સાથે રહે છે અને બન્ને ભાઈઓ પાણીપુરીનો ધંધો કરીને જીવન ગુજરાન ચલાવે છે. માધવસિંહ સંદેશર ચોકડી પાસે આવેલા ભાથીજી મંદિર નજીક પાણીપુરીની લારી ઊભી રાખીને ધંધો કરતો હતો જ્યારે દયવીરસિંહ અગાસ સ્ટેશન બોરીયા ખાતે જઈને પાણીપુરીનો ધંધો કરતો હતો. દયવીરસિંહ પાણીપુરીની સાથે સાથે બોરીયાના રાજુભાઈ સાથે વ્યાજે પૈસા ધીરવાનો પણ ધંધો કરતો હતો.

(5:25 pm IST)