ગુજરાત
News of Saturday, 23rd October 2021

અકુવાડા ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબિરમાં 300 થી વધુ પશુ પાલકોએ ભાગ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  તા.૨૨/૧૦/૨૦૨૧ શુક્રવારના રોજ નાંદોદ તાલુકાના અકુવાડા ગામે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત નર્મદાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની એક દિવસીય  પશુપાલન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં આજુ બાજુના ગામોના ૩૦૦ થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો.

આ તાલીમ શિબિરનો મુખ્ય હેતુ આજના આધુનિક યુગમાં પશુપાલકો નવીન વૈજ્ઞાનિક પધ્ધતિઓ, સંશોધનો થી જાણકાર બને અને તેનો ઉપયોગ કરી ઓછા ખર્ચમાં નફાકારક પશુપાલનનો વ્યવસાય કરે તથા વધુ આવક મેળવી પગભેર બને તે હતો.
આ તાલીમ શિબિરમાં દેડિયાપાડા કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રના વડા ડૉ.પી.ડી.વર્મા, ડૉ.ધર્મેશ ભિંસારા, જિલ્લા કક્ષાએથી ડૉ.જે.આર.દવે, ડૉ.જે.વી.વસાવા, ડૉ.કે.એચ.રાઠવા, ડૉ.એમ.એ.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જેઓ દ્વારા આ તાલીમ શિબિરમાં પશુઓની માવજત, આદર્શ પશુ રહેઠાણ, કૃત્રિમ બીજદાનના ફાયદા, પશુઓમાં થતા રોગો અને અટકાવના પગલા, પશુ રસીકરણ વિગેરે વિશે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવેલ હતુ. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિજેતા રાજેશભાઇ વસાવાએ ગીર ગાયોના ઉછેર થકી તેના ગૌ મૂત્ર અને છાણ માંથી બનાવેલ ગોનાઇલ, ધૂપ અગરબત્તી, ગણપતિની મૂર્તિ જેવી પ્રોડક્ટનું નિદર્શન કરાવ્યું હતું અને પશુપાલકોને સફળ અને નફાકારક પશુપાલન કરવા માટે ઉત્સાહિત કર્યા હતા. પશુદવાખાના રાજપીપળાના ડૉ.વસીમ સૈયદ, ડૉ.નિર્મલ પટેલ અને સ્ટાફે સાથે મળી અથાગ પ્રયત્નો થકી આ પશુપાલન તાલીમ શિબિરને સફળ બનાવી હતી.

(10:10 pm IST)