ગુજરાત
News of Saturday, 23rd October 2021

સુરત : જવેલર્સમાં ચોરી કરવા ગયેલા ચોર પર એસીનું મશીન પડતા ઘટનાસ્થળે મોત: ઘટના CCTV માં કેદ

દુકાનનું મશીન ચોરી કરીને જતા સમયે મશીન ચોર ઉપર પડતાં જ ચોરનું ઘટનાસ્થળે જ મોત

સુરત : સુરતના રાંદેર વિસ્તારમાં પતિ-પત્ની એક જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ગયા હતા ત્યાં દુકાનનું મશીન ચોરી કરીને જતા સમયે મશીન ચોર ઉપર પડતાં જ ચોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરતાં નજીકના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થવા પામી હતી. જેમાં ચોર દુકાનનું એસી ચોરી કરીને જતા સમયે દાદરનું એક પગથિયું ચૂકી જતા આ ચોર પર એસીનું મશીન પડતા તેનું મોત થયું છે. આ ઘટનામાં પત્ની પણ ચોરી કરવા સાથે ગઈ હોવાને લઈને પોલીસે ચોરની પત્નીની ધરપકડકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ચોરીની અજીબો ગરીબ ઘટના સામે આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં ચોરીની ઘટનાને લઇને હાલ ચકચાર મચી જવા પામી છે. અહીંયા પતિ-પત્ની રાંદેર વિસ્તારમાં આવેલ ભેરૂનાથ જ્વેલર્સમાં સાથે ચોરી કરવા ઘૂસ્યો હતો. ચોર તે જ્વેલર્સમાંથી એસીનું વજનદાર મશીન ચોરીને બહાર નીકળતો હતો. આ દરમિયાન તેણે ઉંચકેલા વજનદાર મશીનને કારણે ચોર એક પગથિયું ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું. ચોર મશીનની નીચે દબાઈ ગયો હોવાથી ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. આ જ્વેલર્સ પાસેના કમ્પાઉન્ડમાં તેનો મૃતદેહ મળી આવતાં ત્યાંના લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે CCTV ચેક કરીને તપાસ શરૂ કરી હતી.

   પોલીસે CCTV ચેક કરતાં ચોરીના ઈરાદે આવેલો મૃતક આકાશ સલામ શેખ જ્વેલર્સની દુકાનની છત પરથી એસીનું આઉટડોર મશીન ચોરીને પગથિયા ઉતરતો દેખાયો હતો. આ દરમિયાન તે પગથિયું ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું અને તે મશીન નીચે દબાઈ જતાં તેનું મોત થયું હતું. આ ઘટનાથી પોલીસ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. 22મીની રાત્રે 2.48 વાગ્યે ચોર સામાન ચોરીને નીકળતો હોવાનું CCTVમાં કેદ થયું છે

મૃતક ફૂલવાડી નહેરુનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. હાલ મૃતદેહ સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૂકી પૂછપરછ હાથ ધરાઈ છે. આકાશની પત્નીને હાલ અટકમાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે

(7:35 pm IST)