ગુજરાત
News of Saturday, 23rd October 2021

નવસારી જિલ્લામાં ડાંગરનું માર્કેટ ગગડ્યું: સરકારની ડાંગર ખરીદવા માટેની કેટલીક આકરી શરતોથી ખેડૂતોને મુશ્કેલી

મંડળીઓને ખેડૂતોને તૈયાર માલની સામે વધુ ભાવ આપવો પોસાય તેમ નથી.

નવસારી જિલ્લામાં ડાંગરનું માર્કેટ ગગડ્યું છે, ત્યારે સરકારના જાહેર કરેલા ટેકાના ભાવથી ફાયદો થાય એમ છે. પણ ટેકાના ભાવની કેટલીક નીતિના કારણે ખેડૂતો ટેકાના ભાવ સામે ડાંગર આપી શકે એમ નથી. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે. દર વર્ષે ખેડૂતો સહકારી મંડળીઓને પોતાનો ડાંગરનો પાક આપે છે અને તેની સામે મંડળીઓ સંતોષકારક ભાવ પણ આપતી આવી છે. પણ વર્તમાન વર્ષમાં સ્થિતિ બદલાઈ છે અને મંડળીઓને ખેડૂતોને તૈયાર માલની સામે વધુ ભાવ આપવો પોસાય તેમ નથી.

જેથી ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ પર આશા બાંધી છે. સરકારદ્વારા જાહેર કરેલા ટેકાના ભાવો પર નજર નાખીએ તો A-1 ગ્રેડના પ્રતિ ક્વિન્ટલ 1960 રૂપિયા, કોમન ગ્રેડના પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા નક્કી થયા છે. સાથેસાથે સરકારે ડાંગર ખરીદવા માટે કેટલીક શરતો પણ રાખી છે, જેમાં ખેડૂતોને કેટલાક પ્રશ્નો મુજવી રહ્યા છે. જેમ કે 5 તાલુકાના સેન્ટર પર જ્યાં ડાંગરના પાકની ક્વોલિટી નક્કી થાય છે, ત્યાં ટ્રેક્ટરમાં લુઝ પેકિંગમાં ડાંગર લઈ જવાની અને જો તે ક્વોલિટીમાં ફિટ ન બેસે તો તેને પાછી પોતાના ઘર સુધી લાવવા-લઈ જવાનો ખર્ચો ખેડૂતોના માથે પડે છે. રાજ્ય સરકારે ડાંગર ખરીદવા માટે કેટલીક આકરી શરતો રાખી છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી ઉભી થઇ છે. સરકારે હેક્ટર દીઠ 2380 કિલો ડાંગર ખરીદવાની નીતિ બનાવી છે, પણ જો એક હેક્ટરમાં વધુ ડાંગર પાકે તો તેનું શું કરવું તેનો ઉકેલ સરકારે પાસે નથી. સાથે જ નિયત કરેલી જગ્યાએ ખેડૂતોએ પોતાના પાકનું સેમ્પલિંગ આપવા માટે મોટા વાહનમાં ખુલ્લો પાક ભરીને જવાનો રહે છે અને ડાંગરની ક્વોલિટી બાબતે પ્રશ્ન ઉભો થાય તો ખેડૂતોએ પોતાના ખર્ચે માલ પરત ઘરે લાવવાનો રહે છે.

આજ સુધી સહકારી મંડળીઓ સાધારણ કે નીચી ગુણવત્તા વાળી ડાંગર પણ ખરીદતા હતા, પણ સરકારનો આ મામલે કડક નિયમ ખેડૂતોનો ખર્ચો વધારે છે.રાજ્ય સરકારનો હેતુ જો ખેડૂતોની આર્થિક મુશ્કેલી હલ કરવાનો જ હોય તો તેમણે ડાંગરના ટેકાના ભાવની ખરીદી મામલે ઉદ્દભવેલા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની જરૂર છે. નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ અને લીલા દુકાળથી ખેડૂતો માટે સિઝન નિષ્ફળ ગઈ છે, જેમાં માંડ માંડ તૈયાર થયેલા પાક સામે સરકારની ખેડૂત વિરોધી નીતિથી નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો નિરાશ થયા છે

(6:41 pm IST)