ગુજરાત
News of Saturday, 23rd October 2021

તા. ૧ નવેમ્બરથી મતદાર યાદી સુધારણાઃ રાજકીય પ્રતિનિધિઓ સાથે ચૂંટણી પંચનો પરામર્શ

ગુજરાતમાં ૮૧ મતદાન મથકો વધ્યાઃ મતદાર યાદી નિરીક્ષકોની નિમણૂંકઃ રાજકોટમાં એન.બી. ઉપાધ્યાય

મોરબી-સુરેન્દ્રનગરમાં ડી.જી. પટેલઃ જૂનાગઢ-સોમનાથમાં પી. ભારથી

રાજકોટ, તા. ૨૩ :. કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમ દ્વારા તા. ૧ નવેમ્બરથી રાબેતા મુજબનું મતદાર યાદી સુધારણા અભિયાન ચાલશે. તેના અનુસંધાને ૧૮ સનદી અધિકારીઓને એક-એક, બબ્બે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ. શ્રી એન.બી. ઉપાધ્યાયને રાજકોટ-જામનગર જિલ્લાના ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપાયેલ છે. રાજ્યમાં અડધો લાખ જેટલા મતદાન મથકો છે. જેમાં ૮૧ મતદાન મથકોનો ઉમેરો થયો છે. મતદાર યાદી સુધારણા બાદ લાખો મતદારો ઉમેરાવાથી હજુ મતદાન મથકો વધશે. હાલ એક મતદાન મથક દીઠ સરેરાશ ૧૫૦૦ મતદારોની સંખ્યા નિયત કરવામાં આવી છે. આજે ચૂંટણી પંચે મતદાર યાદી અભિયાન બાબતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તા. ૧ જાન્યુઆરી ર૦રર નાં દિવસે ૧૮ વર્ષ પુરા થઇ જતા હોય તેવા લોકોને મતદાર બનવાની તક મળશે. મતદાર તરીકે ઓનલાઇન નોંધણી પણ કરાવી શકાશે. નવેમ્બરમાં તા. ૧૪, ર૧ અને ર૭ તથા ર૮ ના દિવસે જે તે બ્લોક લેવલ ઓફીસર પોતાના મતદાન મથકમાં બેસીને નામ ઉમેરવા, કમી કરવા, સુધારવા સહિતની કામગીરી કરશે.

સૌરાષ્ટ્રમાં નિમણુંક પામેલા ચૂંટણી પંચના મતદાર યાદી નિરીક્ષકોની નામાવલી નીચે મુજબ છે.

જિલ્લો       અધિકારી

રાજકોટ, જામનગર     એન.બી. ઉપાધ્યાય

ભાવનગર, અમરેલી    હર્ષદ પટેલ

જુનાગઢ, ગીર સોમનાથ         પી. ભારથી

બોટાદ  સતિષ પટેલ

દ્વારકા, પોરબંદર        આલોક પાંડે

 

(4:24 pm IST)