ગુજરાત
News of Saturday, 23rd October 2021

મહારાષ્‍ટ્રથી અનેક લોકો વલસાડ આવતા હવે કોરોના કેસમાં વધારો થયોઃ વલસાડ જીલ્લામાં 10 દિવસમાં 50થી વધુ કેસ નોંધાતા લોકોમાં ચિંતા

સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોના કોરોના ટેસ્‍ટની કામગીરી

વલસાડ: રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં આવી ગયું છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 50 થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે રાજ્ય બહારથી આવતા લોકોનું સ્કીનિંગ કરવાની સાથે તમામ લોકોએ વેક્સીન લીધી છે કે નહિ એ ચકાસવામાં આવી રહ્યું છે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ટીમ બનાવી તમામ કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

બહારથી વલસાડ આવનારાઓમાં કોરોના વધ્યો

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. પરંતુ રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો એકાએક વધી રહ્યાં છે. જેને પગલે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દોડતું થયું છે. વલસાડ જિલ્લો ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલો હોવાના કારણે મહારાષ્ટ્રથી ઘણા લોકો ગુજરાતમાં આવતા હોવાના કારણે સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. વલસાડમાં વસતા અન્ય રાજ્યના લોકો ધાર્મિક કાર્યક્રમો માટે તેમના રાજ્યમાં ગયા હતા. જેઓ હવે પરત ફરી રહ્યાં છે. ત્યારે આવા લોકો કોરોના સંક્રમિત જોવા મળી રહ્યાં છે.

10 દિવસમાં 50 કેસ નોંધાયા

સાથે જ જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 50 થી વધુ કેસ નોંધાયા છે. તો રોજના સરેરાશ ચાર થી પાંચ કેસો આવી રહ્યાં છે. આથી વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. આમ જિલ્લો સમગ્ર રાજ્યમાં કોરોનાનું નવું હોટ સ્પોટ બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે વલસાડ જિલ્લામાં સૌથી વધુ કેસ વલસાડ તાલુકા ખાતે નોંધાઈ રહ્યાં છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્રને જિલ્લાનું આરોગ્ય વિભાગ સંક્રમણને અટકાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિવાળી માટે તંત્રનો માસ્ટરપ્લાન

તો બીજી તરફ, આવનારા તહેવારને ધ્યાનમાં લઇ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. તહેવારોમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ બનાવી તમામ જગ્યાઓ પર કોરોના ટેસ્ટની સાથે વેક્સીનના પ્રમાણ પત્રો ચેક કરવામાં આવશે. તહેવારોમાં સંક્રમણ ન વધે તે માટે આરોગ્ય વિભાગે પ્રસાયો હાથ ધર્યાં છે. રાજ્ય બહારથી આવતા લોકો જો શંકાસ્પદ ગણાશે તો ટેસ્ટની કામગીરી ઝડપી બનાવાશે. આવનારા તહેવારોમાં લોકો કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરે એ જરૂરી બન્યું છે તેવુ આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું. 

(4:17 pm IST)