ગુજરાત
News of Saturday, 23rd October 2021

વડોદરા નેશનલ હાઇવે કપુરાઇથી ધનિયાવી ચોકડી વચ્‍ચે રિયલ વિમાનમાં બેસીને ભોજન કરવાના આનંદ સાથે મજા માણતા હોય તેવો અહેસાસ કરાવતી હાઇ ફલાય હોટલનું નિર્માણ

એક સાથે 104 વ્‍યકિતઓ ભોજન કરી શકશેઃ વિમાન ખરીદીને હોટલમાં કન્‍વર્ટ કર્યું

વડોદરા: ગુજરાતમાં પ્રવાસન સ્થળોમાં વધારો થઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરનું આકર્ષણ કેન્દ્ર બન્યા બાદ હવે ગુજરાતની હાઈ ફ્લાય હોટલ નવુ નજરાણુ બનીને આવી છે. ગાંધીનગરના રેલવે સ્ટેશન પર બનેલ ફાઈવ સ્ટાર હોટલ બાદ હવે ગુજરાતમાં એવી હોટલ બની છે, જેમાં લોકો વિમાનમાં બેસીને ભોજનનો આનંદ માણી શકશે. વડોદરામાં ગુજરાતની પહેલી હાઈ ફ્લાય હોટેલ બની છે. આ હોટલ વિમાનમાં બનાવવામાં આવી છે. ફ્લાઇટમાં બેસી ભોજન કરતાં હોય તેવો અનુભવ અહી થાય છે.

વડોદરાના નેશનલ હાઇવે 48 પર આ હાઈ ફ્લાય હોટેલ બનાવવામાં આવી છે. નેશનલ હાઈવે કપુરાઇ થી ધનિયાવી ચોકડી વચ્ચે બની હાઈ ફ્લાય હોટલ બનાવવી છે. ગુજરાતની આ પહેલી એવી હોટલ છે, જ્યાં લોકો રિયલના વિમાનમાં બેસીને ભોજન કરી શકશે. વિમાનમાં એકસાથે 102 લોકો બેસીને ભોજન ખાઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

આ ફ્લાય હોટલ વિશ્વની 9મી, ભારતની 4 થી અને ગુજરાતની પહેલી વિમાન હોટલ બની છે. મહેમૂદ મુખી નામના વ્યક્તિએ આ વિમાન ખરીદીને તેને હોટલમાં કન્વર્ટ કર્યું છે. 

બેંગલોરના નેગ એવિયેશન કંપની પાસેથી આ એરબસ ખરીદવામાં આવ્યું છે. બોઈંગની અંદર હોટલ બનાવવામાં આવે છે. અંદર જવા માટે એરો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી ચઢીને હોટલમાં જવુ પડે છે. વિમાનમાં હોટેલના જતાં પહેલાં બોર્ડિંગ પાસ ઈશ્યૂ કરાવવામાં આવે છે. જેથી અહી આવનારાને વિમાનની મુસાફરી જેવો જ અનુભવ મળી રહે.

વિમાનમાં એર હોસ્ટેસ લોકોનુ સ્વાગત પણ કરશે. વિમાનના મુસાફરોની જેમ જ હોટલમાં આવનારા મહેમાનોનું સ્વાગત કરશે. વિમાનમાં જે રીતે સીટિંગ એરેન્જમેન્ટ હોય છે, તે રીતે જ અહી સીટિંગ એરેન્જમેન્ટ કરાઈ છે. લોકોને વિમાનમાં બેસીને મુસાફરી કરતા હોય તેવી જ અનુભૂતિ અહી થશે. 

વિમાનમાં પ્રવેશવા માટે અહીં એરોબ્રીજ પણ છે, જેના મારફતે હાઈ ફ્લાય હોટલની એન્ટ્રી થાય છે. હોટલના સંચાલક મહેમૂદ મુખીએ વાતચીતમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના પ્રવાસનને વેગ આપ્યો છે. તેમણે ગુજરાતનું ટુરિઝમ વિકાસાવવા અનેક પ્રયાસો કર્યા છે. મને પણ એવો જ વિચાર આવ્યો. સામાન્ય પ્રજા ક્યારેય વિમાનમાં બેસી નથી. ત્યારે તેમના માટે આ પ્રકારની સુવિધા ઉભી કરું તેવો વિચાર મને આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડના શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, ભારતના પંજાબના લુધિયાણા અને હરિયાણાના મોહરી સહિતના દુનિયાનાં 8 એવાં શહેરો છે. જેમની એક જ વિશેષતા છે. આ તમામ શહેરોમાં એરક્રાફ્ટમાં રેસ્ટોરન્ટ ધમધમે છે. આ યાદીમાં નવમું નામ VADODARAનું ઉમેરાયું છે.   

(5:20 pm IST)