ગુજરાત
News of Saturday, 23rd October 2021

કોરોનાકાળમાં આજીવિકા ગુમાવનારા ફેરિયાઓને સરકારે વળતર આપવા ભણ્યો નનૈયો

સ્ટ્રીટ વેન્ડર્સે મહિને ૧૦ હજારનું વળતર મેળવવા માટે હાઇકોર્ટમાં દાખલ કરી અરજી

આ વર્ગને વળતર માટેની અલગ વ્યવસ્થા નથીઃ સરકારની હાઈકોર્ટમાં દલીલ

અમદાવાદ,તા.૨૩: કોરોના કાળમાં આજીવિકા ગુમાવનાર વેન્ડર્સ વળતર મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.રાજય ભરના સ્ટ્રીટ વેન્ડર્સને કોરોના દરમિયાન વળતર ચુકવવા અને તેમના બાળકોને શાળામાં ફી ચુકવવા કરાયેલી અરજીમાં સરકારે વળતર આપવાનો ઈન્કાર કરી દીધો છે. સરકારે બચાવમાં કહ્યું કે અમે સ્ટ્રીટ વેન્ડર્સને બિનસંગઠન નીતિ મુજબ વળતર ચુકવી દીધું છે. પરતું સ્ટ્રીટ વેન્ડર્સ માટે હવે કોઈ અલાયદી વ્યવસ્થા નથી. એટલું નહીં સરકારની ગરીબો માટે બનાવેલી યોજના અતંર્ગત જે લાભ મળે છે તે જ લાભ મળશે, કોરોના કાળ માટે કોઈ વળતર મળશે નહીં.

મહત્વનું છે કોરોના કાળમાં રાજયમાં પરિસ્થિતિ વણસી હતી જેમાં રાજયમાં અનેક ઉદ્યોગ ધંધાઓ પર તેની માઠી અસર થઈ હતી. જેમાં રાજયમાં લારી ગલ્લા પર ધંધો કરતા લોકો ઉપર પણ માઠી અસર પડી હતી. વેન્ડર્સને દર મહિને ૧૦ હજારનું વળતર ચુકવવા અને સ્ટ્રીટ વેન્ડર્સને સોશિયલ સિકયુરિટી ઓળખપત્ર આપવાની પણ અરજદાર તરફી માંગ કરાઈ હતી પરતું હવે સરકારે વળતર આપવાનો ઈન્કાર કરી દીધો છે. અને કહ્યું છે શહેરી ગરીબો માટે સરકારની યોજના ચાલે છે તેનો લાભ સ્ટ્રીટ વેન્ડરને આપવામાં આવે છે. કોરોના માટે કોઈ ખાસ યોજના સરકાર પાસે નથી.

રાજયભરનાં ચાર મુખ્ય શહેરોના સ્ટ્રીટ વેન્ડરના પ્રતિનિધિ તરફથી હાઈકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટ ભૂષણ ઓઝાએ એવી દલીલ કરી હતી કે, રાજયની કુલ વસતીના ૨.૫ ટકા લોકો ફેરીનો ધંધો કરે છે. તેમના પર આશ્રિત તેમના પરિવારની ૩ વ્યકિત ગણીએ તો લાખોની સંખ્યામાં લોકોની આર્થિક સ્થિતિને તેની માઠી અસર થઈ છે. અરજીમાં સ્ટ્રીટ વેન્ડર્સને દર મહિને ૧૦ હજાર વળતર ચૂકવવા દાદ માગવામાં આવી છે.

અરજીમાં જણાવાયું છે કે, સ્ટ્રીટ વેન્ડરને સોશિયલ સિકયોરિટી માટે સરકારે ઓળખપત્ર આપવા જોઈએ. ઉત્ત્।ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સ્ટ્રીટ વેન્ડરને કોરોનાના સમયગાળા દરમિયાન ખાસ આર્થિક સહાયતા આપવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં સ્ટ્રીટવેન્ડર્સ માટે કોઈ રાહત આપવામાં આવતી નથી જયારે સરકારે એવી દલીલ કરી હતી કે, શહેરી ગરીબો માટે સરકારની યોજના ચાલે છે તેનો લાભ સ્ટ્રીટ વેન્ડરને આપવામાં આવે છે. કોરોના માટે કોઈ ખાસ યોજના સરકાર પાસે નથી.

(3:26 pm IST)