ગુજરાત
News of Saturday, 23rd October 2021

જીતગઢથી અંદાજીત ૧૬ કી.મી. સુધીની કેનાલનું સંસદ મનસુખભાઇ વસાવના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કરજણ જળાશય યોજના આધારિત જમણાં કાંઠાની નહેર જીતગઢથી ગોરા સુધી છેલ્લા ૧૫ વર્ષથી તૂટી ગઈ હતી, ૧૫ વર્ષથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું એક ટીપું પાણી પણ મળતું ન હતું, તેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ દુઃખી હતા. ૧૫ વર્ષ પહેલા આ નહેરો કરોડના રૂપિયાના ખર્ચે રીપેરીંગ કરવામાં આવી હતી. પરંતુ જે-તે સમયે રાજકીય નેતાઓના કારણે તેમના મળતિયાઓને કોન્ટ્રાક્ટના કામો આપવામાં આવ્યા અને તેઓએ તકલાદી કામ કર્યું હોવાના કારણે જે વર્ષે રીપેરીંગ કર્યું હતું, તે જ વર્ષે કેનાલોમાં મોટા ગાબડાંઓ પડી ગયા અને કુવાઓ તૂટી ગયા અને આજે નહેરો જર્જરિત હાલતમાં છે. આ સમગ્ર બાબતની રજૂઆત ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરતા તેઓએ અંદાજીત ૧૬ કી.મી. સુધી કેનાલના કામ માટે ૧૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા, જેનું આજે સંસદ મનસુખભાઇ વસાવા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ અગાઉ પણ ૦૫ મહિના પહેલા જીતગઢ થી ગુવાર સુધીની મેઈન કેનાલનું રૂપિયા ૦૬ કરોડના ખર્ચે નવીની કરણનું કામ થઇ રહ્યું છે તથા ડાબા કાંઠાની મુખ્ય નહેરનું કામ રૂપિયા ૨૨ કરોડના ખર્ચે ૦૧ વર્ષ પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે. કરજણ જળાશય નહેરોનું મોટાભાગનું નવીનીકરણ થઈ ગયું છે. બાકીના જે વિસ્તારોના માઇનોર-સબ માઈનોરના કામો પણ નવા બજેટ વર્ષમાં મંજુર કરાવી દઈશું. જેનાથી આવનારા દિવસોમાં નાંદોદ, ગરુડેશ્વર, ઝગડીયા તથા વાલીયા વિસ્તારના કમાન્ડ એરિયાના ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં મળશે. તેની હું સંપૂર્ણ ખાત્રી આપું છું તેમ મનસુખભાઇ વસાવા એ જણાવ્યું હતું.

 

(10:31 am IST)