ગુજરાત
News of Saturday, 23rd October 2021

થોમસ કુક ઇન્ડિયા વિરુદ્ધ ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો ચુકાદો : દરેક ફરિયાદીને 1 લાખ વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુક્મ

યુરોપની ટૂર પ્રવાસી નહી મળવાના કારણે રદ કરીને અન્ય ટુર ઓફર કરવા સામે થઇ ફરિયાદ

અમદાવાદ : યુરોપની ટુર પ્રવાસી નહી મળવાના કારણે રદ કરીને અન્ય ટુરની ઓફર કરવા સંદર્ભે થોમસ કુક ઇન્ડિયા સામે ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ સંદર્ભે રજૂ થયેલા દસ્તાવેજો, દલીલો તથા પુરાવાને ધ્યાનમાં લઇને ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રિસાઇડીંગ મેમ્બર ડો. જે. જી. મેકવાને દરેક ફરિયાદીને રૂપિયા 1 લાખ રૂપિયા 31-3-2015થી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા હુક્મ કર્યો છે.

સ્ટેટ કમિશને હુક્મમાં અવલોકન કર્યું છે કે, થોમસ કુક ઇન્ડિયા દ્રારા જયારે પાંચ મહિના અગાઉ ટુરનું આયોજન કરી પુરતા પ્રવાસીઓ ના મળે ત્યારે 17 દિવસની ટૂર રદ કરીને ત્યારબાદ 15 દિવસની ટુરનું આયોજન કરી પ્રવાસીઓ પાસે 29,543 રૂપિયા વધારાના ખોટી રીતે વસૂલ કર્યા છે. મધ્યમ વર્ગના પ્રવાસીઓ જીંદગીભરની કમાણીની બચતની મૂડી જીંદગીના પાછલા વર્ષોમાં સુખ, સુવિધા અને સગવડો સાથે વિદેશના વિવિધ દેશોમાં ટુર કરવા જોડાયા હોય અને જે બ્રોશર બતાવ્યા અને બેસ્ટ સર્વિસની ખાતરી આપી ત્યારબાદ મહત્વના સ્થળો નહીં બતાવીને સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરવામાં આવી હોવાનું સાબિત થાય છે. ફરિયાદી પ્રવાસીઓ પાસે ટીપ પણ વધારે લેવામાં આવી છે. થોમસ કુક બ્રાન્ડનેમ છે. અને આંતરરાષ્ટ્રીય ટુર ઓપરેટર તરીકે બહોળો અનુભવ છે. પરંતુ વેટીકન સીટીમાં રવિવારના રોજ ચર્ચની મુલાકાત શક્ય નથી તે સૈ કોઇ જાણે છે. પરંતુ ટુરનો પ્રોગ્રામ યોગ્ય રીતે બનાવેલ નથી. ઇટીનેરરી તપાસતાં લંડનમાં પ્રથમ દિવસે સ્વામિનારાયણ મંદિરની મુલાકા લેવાની હતી. પરંતુ પ્રોગ્રામમાં બીજા દિવસે મુલાકાત માટે લઇ ગયા હતા. ફરિયાદીની આખી જીંદગીની કમાણીની બચતમાંથી યુરોપ ટુરમાં જોડાયા હોય અને બ્રોશર પ્રમાણે નક્કી કર્યા પ્રમાણે જોવા લાયક અનેક જગ્યાઓ ન બતાવીને થોમસ કુક દ્રારા સેવામાં ખામી રાખી અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરવામાં આવી હતી.

વધુમાં એવું પણ અવલોકન કર્યું છે કે, પાંચ મહિના અગાઉ જયારે ટુરનું આયોજન કરી ટુર રદ કરી નવી ટુરની ઓફર કરવામાં આવે ત્યારે પ્રવાસીઓને ના છૂટકે, કમને પણ વિકલ્પ સ્વિકારવાની ફરજ પડે. અમદાવાદ ગ્રાહક ફોરમ દ્રારા દસ્તાવેજો- તથ્યો યોગ્ય રીતે તપાસવામાં આવ્યા નથી. તેમ જ વળતર બાબતે હુક્મમાં સુધારો કરવો યોગ્ય જણાતો હોવાથી પ્રત્યેક પ્રવાસીને રૂપિયા 1 લાખનું વળતર વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ચુકવવાનું યોગ્ય જણાય છે.

થોમસ કુક ઇન્ડિયા લી. દ્રારા વર્ષ 2013માં આવો અમારી સાથે ગુજરાતી બોલવાવાળા ટુર મેનેજરની સેવાઓ સાથે 17દિવસની યુરોપની ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિ દીઠ 2,18,400 લેખે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારના નિવુત્ત બેંક અધિકારી ફરિયાદી સીનીયર સીટીઝન દંપતિ કિરીટ એ. શાહ તથા તેમના પત્નીએ 4,36,800 પાંચ મહિના અગાઉ રકમ જમા કરાવી બુકીંગ કરાવ્યું હતું. અન્ય સીનીયર સીટીઝન મેમનગરના ભગવતલાલ એ. પટેલે પણ ટુરમાં જવા માટે રકમ જમા કરાવી હતી. લંડનના વીઝા આવી ગયા હતા. પરંતુ પુરતા પ્રમાણમાં પ્રવાસીઓ નહીં મળતા થોમસ કુક દ્રારા ટુર રદ કરવામાં આવી હતી. થોમસ કુક દ્રારા ત્યારબાદ 15 દિવસની નવી ટુરનુ આયોજન કરી ફરિયાદીઓને ટુરમાં સામેલ કર્યા હતા.

ટુર દરમિયાન થોમસ કુક દ્રારા લંડનનો ટાવર બ્રીજ, વિશ્વ પ્રસિધ્ધ વેટીકન સીટીનુ મ્યુઝીયમ, સીસ્ટાઇન ચેપલ, ચર્ચ બતાડવામાં આવ્યું હતું. ફરિયાદી પાસે જે દર્શનીય સ્થળો નોંધપાત્ર અગત્યના સ્થળોની મુલાકાત નહીં કરાવીને સર્વિસ પ્રોવાઇડર થોમસ કુક દ્રારા સેવામાં ખામી, બેજવાદબારી દર્શાવી અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરીને ફરિયાદીઓની સુખ, સુવિધા અને સગવડ ઉપર કાતર ફેરવીને છેતરવામાં આવ્યા છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ક્ન્ઝયુમર પ્રોટેકશન એક્ટ અન્વયે થોમસ કુક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરીને દાદ માંગી હતી. અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ફરિયાદીઓની ફરિયાદ અંશતઃ મંજુર કરીને રૂપિયા 25 હજારનું વળતર 31-3-2015થી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ચુકવવાનો હુક્મ કર્યો હતો. આ ચૂકાદા સામે ફરિયાદીઓએ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ કરી હતી. આ અપીલને ગ્રાહ્ય રાખીને કમિશને ઉપર્યુક્ત હુક્મ કર્યો છે.

(9:17 am IST)