ગુજરાત
News of Saturday, 23rd October 2021

ધોરણ-10ની પરીક્ષાનું વિજ્ઞાનનું પેપર પરીક્ષા શરૂ થાય તે પહેલા ગાંધીનગરના ક્લાસીસમાંથી લીક

શિક્ષણ બોર્ડ સમગ્ર ઘટનાની ચકાસણી હાથ ધરી:કઈ રીતે પેપર લીક થયું તે અંગેની ચકાસણી કરી કસુરવારો સામે કાર્યવાહી કરાશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી ધોરણ-9થી 12ની પ્રથમ કસોટીની પરીક્ષામાં શુક્રવારે ધોરણ-10ની પરીક્ષાનું વિજ્ઞાનનું પેપર પરીક્ષા શરૂ થાય તે પહેલા જ લીક થયું હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. ગાંધીનગરમાં આવેલા એક ક્લાસીસમાંથી પેપર લીક થયું હોવાનું પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી છે તેની સાથોસાથ આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તે માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે.

ધોરણ-9થી 12ની પ્રથમ કસોટીની 18 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષા 27 ઓક્ટોબર સુધી ચાલશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પરીક્ષા માટે પ્રશ્નપત્રો પુરા પાડવાની જાહેરાત કરી હતી. જોકે, ખાનગી સ્કૂલો દ્વારા અભ્યાસક્રમને લઈને પ્રશ્ન ઉપસ્થિત કરતા શિક્ષણ બોર્ડ દ્વારા જે સ્કૂલો પોતાની રીતે પેપર કાઢવા માંગતી હોય તેમને છુટ આપી હતી. જ્યારે જે સ્કૂલો બોર્ડના પેપરનો ઉપયોગ કરવા માંગતી હોય તે બોર્ડના પેપરનો ઉપયોગ કરી શકે તેમ જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે ધોરણ-10માં વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવનાર હતી. આ માટેના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરી અગાઉથી જ સીલબંધ રીતે ડીઈઓ કચેરીમાં મોકલી આપ્યા હતા. જોકે, શુક્રવારે સવારે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હોવાનું સામે આવ્યું હતું. આમ, ધોરણ-10નું વિજ્ઞાનનું પેપર લીક થયું હોવાની ઘટના પ્રકાશમાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર ખાતે આવેલા એક ક્લાસીસમાંથી આ પેપર લીક થયું હતું અને વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું હતું. આમ, પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓ પાસે પેપર આવી ગયું હોવાથી વિદ્યાર્થીએ તેના આધારે તૈયારીમાં લાગી ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતાં શિક્ષણ બોર્ડ સમગ્ર ઘટનાની ચકાસણી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જેમાં ખરેખર કઈ રીતે પેપર લીક થયું તે અંગેની ચકાસણી કરી કસુરવારો સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.

(10:46 pm IST)