ગુજરાત
News of Friday, 23rd October 2020

ઘરાકીના અભાવે સોના-ચાંદીના ભાવ સતત બીજા દિવસે સુસ્ત

અમદાવાદ ખાતે સોનું માત્ર 100 રૂપિયા અને ચાંદી 500 રૂપિયા ઘટી

અમદાવાદઃ કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા અને અતિશય ઉંચા ભાવથી તહેવાલ ટાંકણે ઘરાકીના અભાવે સોના અને ચાંદીના ભાવમાં સુસ્તીનો મામલો છે. સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. જેમાં અમદાવાદ ખાતે સોનું માત્ર 100 રૂપિયા અને ચાંદી 500 રૂપિયા સસ્તી ઘટી છે. આજના ઘટાડા સાથે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 52,800 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 52,500 રૂપિયા થયો હતો. આ સાથે વિતેલા બે દિવસમાં સોનામાં 200 રૂપિયા અને ચાંદીમાં 1000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

દિલ્હીના બુલિયન બજારમાં આજે સોનાના ભાવ 75 રૂપિયા ઘટ્યા હતા અને 10 ગ્રામ સોનાનો ભાવ 51,069 રૂપિયા થયો હતો. જો કે સામે ચાંદીમાં સુધારો જોવા મળ્યો હતો અને તે 121 રૂપિયા વધીને 62,933 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ હતી.

વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ 1908 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો. તો ચાંદી પણ 24.72 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. હાલ માર્કેટ એનાલિસ્ટોની નજર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી અને ત્યા જાહેર થનાર સ્ટિમ્યુલસ પેકેજ ઉપર છે. જો કે અમેરિકામાં જંગી સ્ટિમ્યુલસ પેકેજ જાહેર થયુ તો યુએસ ડોલર નબળો પડશે સોનાના ભાવ ફરી નવી ઉંચી સપાટીને સ્પર્શી જશે તેવી આગાહીઓ માર્કેટ એનાલિસ્ટો કરી રહ્યા છે. ઉપરાંત કોરોના વાયરસનું સંક્રમણ અને તેની સારવાર માટેની અસરકારક વેક્સીનની પ્રગતિ અહેવાલ પણ સોના-ચાંદીના ભાવને પ્રભાવિત કરતા રહેશે.

(8:01 pm IST)