ગુજરાત
News of Friday, 23rd October 2020

કોરોનાના કોમ્‍યુનિટી ટ્રાન્‍સમિશનની તપાસ કરવા માટે અમદાવાદમાં ત્રીજો સીરો સર્વેઃ પ્રાથમિક તારણોમાં કોરોના કાબુમાં હોય તેવી અસર

અમદાવાદ: કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનની તપાસ કરવા માટે અમદાવાદમાં હવે ત્રીજો સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના પ્રાથમિક તારણો પરથી અમદાવાદમાં કોરોના કાબૂમાં હોય તેમ લાગી રહ્યું છે.

આ અંગે અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં શહેરીજનોમાં હર્ડ ઈમ્યુનિટીનું પ્રમાણ 17 ટકા હતું. જે વધીને 23 ટકા પર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા થોડા દિવસોથી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ ઓછા આવી રહ્યાં છે. આ સિવાય ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા હર્ડ ઈમ્યુનિટીને લઈને આ ત્રીજો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પ્રથમ સર્વેમાં 25 થી 30 હજાર શહેરીજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. AMCના પ્રથમ સીરો સર્વેમાં અમદાવાદીઓમાં હર્ડ ઈમ્યુનિટી પાવર 17 ટકા હતી. જે હવે વધીને 23 ટકાની આસપાસ પહોંચી ચૂકી છે.

ત્રીજો સર્વે શરૂ થવા પર શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર એન્ટીબૉડી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યાં છે. AMC દ્વારા પહેલા સર્વે બાદ 25 થી 30 હજાર સ્થાનિક લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં 17 ટકાની આસપાર હર્ડ ઈમ્યૂનિટી નોંધવામાં આવી હતી. જે બાદ 15 ઓગસ્ટે બીજો સર્વે શરૂ કરાયો, જેમાં 10 હજારથી વધુ લોકોનો એન્ટીબૉડી ટેસ્ટ થવા પર હર્ડ ઈમ્યૂનિટી 23 ટકાની આસપાસ નોંધાઈ હતી. હવે શહેરમાં ત્રીજા સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિનામાં અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટીમાં 5 ટકાનો વધારો થયો છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1136 કેસો સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 7 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,64,121 પર પહોંચી ચૂકી છે. જ્યારે કુલ 3670 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

(4:56 pm IST)