ગુજરાત
News of Wednesday, 23rd October 2019

બાળકીને ડૂબાડવાના કેસમાં માતાને હાઈકોર્ટ દ્વારા જામીન

હાઇકોર્ટે પાંચ મહિના બાદ શરતી જામીન આપ્યા : ૧૩-૫-૨૦૧૯ના રોજ પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં નાંખી ટાંકીનું ઢાંકણું બંધ કરીને બાળકીની હત્યા કરી હતી

અમદાવાદ, તા.૨૩ :  મહેસાણા જિલ્લાના કડીના લુહારકુઇ વિસ્તારમાં પાંચ મહિના અગાઉ માત્ર બાર દિવસની બાળકીને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નાંખીને હત્યા કરનારા સગી માતાને ગુજરાત હાઇકોર્ટે આખરે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. અગાઉ મહેસાણા સેશન્સ કોર્ટે માતાના જામીન નામંજૂર કરતાં તેણીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીનઅરજી કરી હતી, જેની સુનાવણી બાદ હાઇકોર્ટે આજે અરજદાર માતાના શરતી જામીન મંજૂર કર્યા હતા. આ કેસની વિગત એવી છે કે, મહેસાણા જિલ્લાના કડી શહેરના લુહારકુઇ વિસ્તારમાં મનીષાબહેન નરેશભાઇ ખાનચંદાણીએ પોતાની સગી બાળકીને તા.૧૩-૫-૨૦૧૯ના રોજ પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નાંખી દઇ ટાંકીનું ઢાંકણું બંધ કરી બાળકીની હત્યા કરી હતી.

             તેણીના પતિએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અરજદાર માતા મનીષાબહેન ખાનચંદાણી તરફથી કરાયેલી જામીનઅરજીમાં એડવોકેટ ઇમ્તીયાઝ કુરેશીએ રજૂઆત કરી હતી કે, અરજદારની માનસિક પરિસ્થિતિ સારી ન હતી. અરજદારના પતિની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. વળી, અરજદારના સીઝેરીયનમાં રૂ.૩૦ હજાર જેટલો ખર્ચો થયો હતો, તેનાથી પણ તે માનસિક તાણમાં હતી. અરજદાર પોતે એક મહિલા છે અને છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે.

આ સંજોગોમાં હાઇકોર્ટે માનવીય અભિગમ અપનાવી અરજદારને શરતી જામીન પર મુકત કરવી જોઇએ. કેસની સુનાવણી દરમ્યાન અરજદાર મહિલાના પતિએ હાઇકોર્ટમાં વાંધો લીધો ન હતો તે બાબત ધ્યાનમાં રાખીને અને અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખીને હાઇકોર્ટે અરજદાર માતાના શરતી જામીન મંજૂર રાખ્યા હતા.

(9:54 pm IST)