ગુજરાત
News of Tuesday, 23rd October 2018

બિટકોઇન કેસ : ભાગેડુ જતિન જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાયો

ઘણા સમયથી ફરાર જતિન કોર્ટ સમક્ષ હાજરઃ બિટકોઇન કેસમાં આરોપી એડવોકેટ કેતન પટેલના ભાઇ જતિનની ભૂમિકા : કોર્ટે સીઆઇડી ક્રાઇમને નોટિસ આપી

અમદાવાદ, તા.૨૩: ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનારા રૂ.૧૨ કરોડના બિટકોઇન કેસમાં ભાગેડુ આરોપી જતીન પટેલે ગઇકાલે મોડી સાંજે અમદાવાદની સ્પેશ્યલ એસીબી કોર્ટ સામે શરણાગતિ સ્વીકારી હતી. જો કે, કોર્ટે આરોપી જતીન પટેલને સાબરમતી જેલમાં જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરી આ કેસમાં સીઆઇડી ક્રાઇમને નોટિસ જારી કરી હતી. કોર્ટે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ દ્વારા સીઆઇડીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, અમરેલી પોલીસ અને નલિન કોટડીયા તેમજ તેમના સાગરિતો દ્વારા તેમના આ અપહરણનું કાવતરૂ ઘડી તેમનું ગાંધીનગરથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની પાસે રહેલા બાર કરોડ રૂપિયાની કિંમતના બિટકોઇન લૂંટી લેવામાં આવ્યા હતા. આ મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બિટકોઇનના સમગ્ર કેસમાં અમરેલીના એસ.પી જગદીશ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા દ્વારા સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં સુરતના બે વ્યક્તિની ભૂમિકા મહત્ત્વની હોવાનું જાણવા મળ્યું હતું. આખી યોજના ઘડી કાઢવા માટે સુરતના કિરીટ પાલડીયા અને એડવોકેટ કેતન પટેલ દ્વારા પણ મહત્વની ભૂમિકા ભજવાઇ હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું કે કેટલીક મહત્વની બેઠકોમાં કેતન પટેલનો ભાઈ જતીન પટેલ પણ હાજર હતો તેમજ બિટકોઇન લૂંટી લીધા બાદ તેની ચૂકવણી આંગડિયા દ્વારા થઈ હતી તે કામગીરી જતીન પટેલે કરી હતી. પોલીસે આ મામલે તમામ સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ એડવોકેટ કેતન પટેલની ધરપકડ બાદ તેનો ભાઈ જતીન ફરાર હતો. જતીન પટેલને શોધવા માટે સીઆઇડી દ્વારા કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવ્યા હતા. પરંતુ તેને શોધવામાં નિષ્ફળતા મળી હતી. આખરે ગઇકાલે મોડી સાંજે જતીન પટેલ અમદાવાદની સ્પેશ્યલ એસીબી કોર્ટમાં તેના વકીલ સાથે હાજર થઇ ગયો હતો અને પોતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી. કોર્ટે જતીનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરી આ મામલે સુનાવણી માટે સીઆઇડી ક્રાઇમને નોટિસ જારી કરી હતી.

 

(10:10 pm IST)