ગુજરાત
News of Tuesday, 23rd October 2018

દિવાળી : મંદિરો-ગુરૂદ્વારામાં સાફ-સફાઇ પ્રક્રિયા શરૂ થઇ

પરંપરા મુજબ સ્વચ્છતા કરવા માટે ચક્રો ગતિમાન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળી પર્વના ગાળામાં બે ટાઇમ પાણી અપાય તેવી શક્યતા નહીવત

અમદાવાદ, તા.૨૩ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા દિવાળીના તહેવારો પહેલાં શહેરનાં નગરદેવી ગણાતાં મા ભદ્રકાળીનું મંદિર, ઐતિહાસિક જગન્નાથજીનું મંદિર, મણિનગરનું સ્વામિનારાયણ મંદિર સહિતના શહેરનાં ૫૪ મંદિરો-ગુરુદ્વારાની સાફસફાઈ કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આગામી દિવાળીના તહેવારોમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા પરંપરા મુજબ શહેરના ધાર્મિક સ્થળોને પાણીથી ધોઈને સ્વચ્છ કરવાના તેમજ જે તે ધાર્મિક સ્થળ સંલગ્ન રસ્તાની સાફસફાઈની કામગીરી હાથ ધરાય છે. ચાલુ વર્ષે પણ દિવાળીના વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કુલ સાત ઝોનમાં આવેલા મહત્ત્વપૂર્ણ લેખાતા ધાર્મિક સ્થળોનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે, જે હેઠળ આગામી રમા એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા સુધીના સમયગાળામાં આ તમામ ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર ખાસ ટીમ તહેનાત કરશે. તંત્ર દ્વારા તૈયાર કરાયેલી ધાર્મિક સ્થળોની યાદીમાં કુલ ૫૪ મંદિર, ગુરુદ્વારા વગેરેનો સમાવેશ કરાયો છે. હિન્દુઓના નવા વર્ષ તરીકે ઊજવાતા કારતક સુદ એકમના દિવસે સવારે નાગરિકો સ્નાનાદિ કાર્યમાં પરવારીને વહેલા મંદિરે દર્શનાર્થે જઈ શકે તે માટે અડધો કલાક વધારાનું પાણી પૂરું પડાશે. જો કે, દિવાળીના દિવસોમાં ગૃહિણીઓને ઘરની સાફ સફાઈ માટે સવાર-સાંજ એમ બે વખત પાણીનો પુરવઠો પૂરો પડાય તેવી શક્યતા બહુ નહીવત્ છે. તેથી નગરજનોમાં ખાસ કરીને મહિલાઓમાં દિવાળીના તહેવારો દરમ્યાન અમ્યુકો તંત્ર દ્વારા બે ટાઇમ પાણી પૂરું પાડવાની માંગણી ઉઠવા પામી છે.

(8:04 pm IST)