ગુજરાત
News of Tuesday, 23rd October 2018

મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં બંને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષાના ગુણના આધારે આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

અમદાવાદ: સોમવારે સુપ્રીમ કોર્ટે બે દિવ્યાંગ વિદ્યાર્થીઓને MBBSમાં એડમિશન આપવા માટે ગુજરાત સરકારને આદેશ આપ્યો. રાજ્યમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં સુપ્રીમ કોર્ટે બંને દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વર્ષે NEET (નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલીટી)ની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવા માટે આદેશ આપ્યો છે. આવતા વર્ષે વિદ્યાર્થીઓને ફરીથી NEETની પરીક્ષા નહીં આપવી પડે.

મુસ્કાનને એડમિશન મળતાં કરી અરજી

ગયા મહિને સુપ્રીમ કોર્ટે વડોદરાને મુસ્કાન શેખને MBBS કોર્સના ફિઝિકલી હેન્ડીકેપની કેટેગરીમાં એડમિશન આપવા માટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. હાલ મુસ્કાન MBBSમાં અભ્યાસ કરી રહી છે. એક સ્ટડી ટુર દરમિયાન તેનો જમણો હાથ કપાઈ ગયો હતો જેના કારણે તે 75 ટકા દિવ્યાંગ થઈ. મુસ્કાનને એડમિશન મળ્યા બાદ ભાવનગર જિલ્લાના તળાજાનો વિદ્યાર્થી ગણેશ બારૈયા અને રાજકોટ જિલ્લાના જસદણની વિદ્યાર્થિની હિના મેવાસિયાએ દિવ્યાંગ ક્વોટામાં મેડિકલમાં એડમિશન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.

ગણેશ-હિનાએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર

ઓછી ઊંચાઈના કારણે ગણેશ બારૈયાને 72 ટકા દિવ્યાંગ ગણવામાં આવે છે. ગણેશની ઊંચાઈ માત્ર 109 સેન્ટીમીટર છે. ગણેશનો દેખાવ બાળક જેવો છે. ગણેશે પ્રવેશ પરીક્ષામાં મેડિકલમાં ફિઝિકલી હેન્ડીકેપ વિદ્યાર્થીઓના ક્વોટામાં એડમિશન મેળવી શકે તેટલા ગુણ મેળવ્યા છે. આવતા વર્ષે મેડિકલમાં એડમિશન મેળવવાને પાત્ર વિદ્યાર્થિની હિના મેવાસિયાના ડાબા હાથમાં ખામી હોવાથી તે 50 ટકા દિવ્યાંગ છે.

40-80% ખામી હોય તો મળી શકે એડમિશન

તમામ વિદ્યાર્થીઓએ રાઈટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ, 2016 પર ભરોસો રાખ્યો. કાયદા હેઠળ નિમવામાં આવેલી કમિટી પ્રમાણે, 40થી 80 ટકા જેટલી શારીરિક ખોડખાંપણ હોય તેવા વ્યક્તિઓ મેડિકલ કોર્સમાં એડમિશન મેળવવા માટે યોગ્ય છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ત્રણેય વિદ્યાર્થીઓએ કરેલી પિટીશન ફગાવી હતી. અરજીમાં વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારે તેમની ફિઝિકલ ડિસેબિલિટીને ધ્યાનમાં રાખીને તેમને મેડિકલ કોર્સમાં એડમિશન નહોતું આપ્યું.

(6:17 pm IST)