ગુજરાત
News of Tuesday, 23rd October 2018

ઠાસરા તાલુકાના કાલસરના નિવૃત શિક્ષકે અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ઠાસરા:તાલુકાના કાલસરના નિવૃત્ત શિક્ષકે ઝાડની ડાળ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ડાકોર પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના કાલસર સીમમાં કણજીના ઝાડની ડાળ સાથે ગળે ફાંસો ખાઈ કોઈ ઈસમે આપઘાત કર્યાનું જોવા મળ્યું હતું. જેની જાણ થતા લોકો સ્થળ ઉપર દોડી જતા આપઘાત કરનાર નિવૃત્ત શિક્ષક મગનભાઈ ધુળાભાઈ પરમાર (ક્રિશ્ચિયન (ઉંમર ૭૨) વર્ષ હાલ રે. ડાકોર) હોવાની ઓળખ થઈ હતી. આ નિવૃત્ત શિક્ષકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં નિવૃત્ત શિક્ષક મગનભાઈએ લોકોને લોન લઈ ઘર બનાવવા, સામાજિક પ્રસંગ જેવા કામમાં મદદરૂપ થવા ઉછીના પૈસા આપ્યા હતા. પરંતુ લોકોએ ઉછીના લીધેલા પૈસા પરત ન આપતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી બાજુ બેંક દ્વારા લોન ભરવા નોટીસ આપવામાં આવી હતી. તેમાં વળી આપઘાત કરનાર નિવૃત્ત શિક્ષકે પરિવારજનોને આ બાબતથી અંધારામાં રાખ્યા હતા.
ઉછીના પૈસા પરત ન મળતા બેંકમાં લોન ક્યાંથી ભરવી ? તેમજ લોન ન ભરે તો આબરું જશે તેમજ લાગી આવતા મગનભાઈ ક્રિશ્ચિયનને માદરે વતન કાલસર સીમમાં જઈ ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે બરકતઉલ્લા ઉર્ફે બકાભાઈ અબ્દુલભાઈ શેખે જાણ કરતા ડાકોર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:56 pm IST)