ગુજરાત
News of Tuesday, 23rd October 2018

ખેડા પોલીસે ડભાણ હાઇવે પરથી પોલીસે 2.16 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બેની ધરપકડ કરી

ખેડા: પોલીસે નેશનલ હાઈવે પર આવેલી ડભાણ, સીમ ઉપરથી બોલેરો પીકઅપ ગાડીમાં ૨.૧૬ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડીને કુલ ૭.૨૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
એસઓજી ખેડા પોલીસ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે અમદાવાદ રીંગ રોડ તરફથી એક બોલેરો પીકઅપ ડાલુ નં. જીજે ૨૭ એક્સ ૨૫૯૬ શંકાસ્પદ હાલતમાં સંઘાણા ટોલ પ્લાઝા થઈ આણંદ જઈ રહેલ છે. જેથી એસઓજી પોલીસે ડભાણ નેશનલ હાઈવે નં. ૮ હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશન નજીક વોચ ગોઠવી દીધી હતી.
આ દરમ્યાન બોલેરો પીકઅપ ડાલુ નં. જીજે ૨૭ એક્સ ૨૫૯૬ આવી પહોંચતા તેને રોડની સાઈડે ઊભી રખાવી હતી. આ બોલેરોના ચાલકની પૂછપરછ કરતા દર્શનભાઈ ભગવાનભાઈ વાળા તથા માલિક પલ્કેશભાઈ અરવિંદભાઈ પટેલ (રે. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી ૨.૧૬ લાખની કિંમતનો ૪૫ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પાંચ લાખની ગાડી , ૨ મોબાઈલ તથા રોકડ રૂા. ૨૬૦૦ મળી કુલ રૂા. ૭,૨૨,૬૦૦ના મુદ્દામાલ જપ્ત કરીને બન્નેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો સામરખા ચોકડીએ આવેલી એકતા હોટલ નજીક આપવાનો હોવાનું જણાવ્યું હતું.

(4:53 pm IST)