ગુજરાત
News of Tuesday, 23rd October 2018

કુંવરજી બાવળિયાનું ભવિષ્ય હવે કોળી સમાજના હાથમાં

૫ ડિસેમ્બરે નક્કી થશે કુંવરજીભાઇ બાવળિયાનું રાજકીય ભવિષ્ય

અમદાવાદ તા. ૨૩ : કોંગ્રેસના સૌરાષ્ટ્રના કદાવર નેતા અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયાએ થોડા સમય પહેલા કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનું કમળ ઝીલ્યું હતું. જે બાદ તેમને ખૂબ જ ઝડપથી કેબિનેટમાં સ્થાન પણ આપી દેવામાં આવ્યું. જોકે કુંવરજી બાવળિયા માટે હજુ પણ કપરા ચઢાણ છે. આગામી ડિસેમ્બરમાં તેમની બેઠક જસદણ પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેના પરિણામ જણાવી દેશે કે કુંવરજી બાવળિયાએ કેસરીયો ઓઢીને ભાજપને મજબૂત કર્યું છે કે પછી પોતાની રાજકીય કારકિર્દી પર સામે ચાલીને કુહાડો માર્યો છે.

આગામી સપ્તાહમાં જ આ પેટા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થઈ શકે છે ત્યારે કુંવરજી બાવળિયાનો આધાર તેની જ્ઞાતિ કોળી સમાજ, ભારતીય જનતા પાર્ટી અને અને તેમના વિસ્તારોમાં રહેતા પાટીદારો પર રહેલો છે. જોકે આ બધા ફેકટરમાં કુંવરજીભાઈ તેમને કોળી કાર્ડ પર મુસ્તેદ છે અને પોતાના મત વિસ્તારમાં તેમણે કરેલા કામો પણ છઠ્ઠીવાર પણ તમને ધારાસભ્ય પદ અપાવશે તેવો કુંવરજીભાઈને વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કુંવરજીભાઈ ૫ વાર ધારાસભ્ય અને એકવાર રાજકોટ બેઠક પરથી સાંસદ બન્યા છે તમામ વખતે તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ આ વખતે સ્થિતિ જુદી છે.

કુંવરજી બાવળિયાએ કહ્યું કે, 'મને લાગે છે કે મારા જ કોળી સમાજના ૧૫-૨૦% લોકો પેટા ચૂંટણીમાં મારી વિરુદ્ઘમાં વોટિંગ કરશે. જયારે બીજુ ફેકટર છે પાટીદાર જેઓએ મને ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જંગી વોટ આપ્યા હતા કદાચ આ વખેત વોટ ન પણ આપે. પણ મને વિશ્વાસ છે કે દરેક સમાજના લોકો જેમને મારું કામ ગમે છે અને જે લોકો પરંપરાગત ભાજપના મતદાર છે તે તમામ વ્યકિતઓ મને વોટ આપશે અને અમે ચૂંટણી જીતીશું.'

પીઢ કોંગ્રેસી નેતા કુંવરજીભાઈએ વિધાનસભામાં પોતાનાથી ખૂબ નાની ઉંમરના પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા બનાવવાના કોંગ્રેસના નિર્ણય બાદ પક્ષનો સાથ છોડ્યો હતો. કુંવરજીભાઈ ભલે જીતનો દાવો કરતા પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે તેમના માટે આ વખતે જીતનો રસ્તો સહેલો નહીં હોય. કેમ કે કેટલાક તેમના જૂના સાથીદારો કુંવરજીભાઈના આ પગલાથી નારાજ ચાલી રહ્યા છે તો ભાજપમાં પણ સ્થાનિક લેવલે તેમનો પૂર્ણ સ્વીકાર નથી થયો.

રાજકીય પંડિતનું માનવું છે કે, '૨૦૧૭માં ભાજપના ભરત બોઘરા સામે કુંવરજીભાઈનો વિજય સ્થાનિક પાટીદારોમાં રહેલ ભાજપ વિરોધી લહેરનું પરિણામ હતી. જયારે હવે ખુદ કુંવરજીભાઈ ભાજપમાં છે અને સ્થાનિક કોંગ્રેસના નેતાઓ તેમની વિરુદ્ઘમાં પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે જીત ધારે છે તેટલી સરળ નહીં રહે.' જયારે બાવળિયાનું કહેવું છે કે, 'કોંગ્રેસ પાસે મારી સામે લડી શકે તેવો કોઈ મજબૂત ઉમેદવાર જ નથી અને હું ૨૦૧૭ કરતા પણ વધારે માર્જીન સાથે ફરીથી જીતીને આવીશ.'

(4:15 pm IST)