ગુજરાત
News of Tuesday, 23rd October 2018

પેટ્રોલ - ડીઝલ વચ્ચે ભાવ તફાવતનો ભેદ દુર થવાની નજીક

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સમાન થવાના આરે : હાલમાં માંડ ૧૪ પૈસા જેટલો જ તફાવત છે

અમદાવાદ તા. ૨૩ : રાજયમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લગભગ કોઈ ફેર રહ્યો નથી. પેટ્રોલ અને ડીઝલ લગભગ એક સમાન ભાવે વેચાઈ રહ્યા છે. હાલમાં અમદાવાદ સહિત રાજયના તમામ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં મહત્તમ ૧૪ પૈસાનો જ તફાવત છે. છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થયેલા ઘટાડા બાદ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો સમાન થઈ ગયા છે. હજુ જે અમુક પૈસાનો તફાવત છે તે પણ આગામી દિવસોમાં દૂર થઈ જશે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. આમ, રાજયમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલ સમાન ભાવ લગોલગ વેચાઈ રહ્યા છે.

અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવો વચ્ચે મોટો તફાવત હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવો વચ્ચે સરેરાશ રૂ. ૧૦થી ૧૫ જેટલો તફાવત હતો. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવો એક સમાન થઈ જાય તે માટેની કવાયત શરૂ થઈ હોય તેમ ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો હતો અને તેની સામે પેટ્રોલના ભાવો પણ મહદઅંશે વધી રહ્યા હતા. જેના પગલે એક તબક્કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન થઈ જાય તેવી ગણતરીઓ હતી.હાલમાં રાજયના ચાર મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ખાસ તફાવત નથી. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. ૭૮.૪૯ છે, જયારે ડીઝલનો ભાવ રૂ. ૭૮.૩૫ છે.

આમ, અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ વચ્ચે માત્ર ૧૪ પૈસાનો તફાવત રહી ગયો છે. આ જ રીતે રાજયના રાજકોટ, સુરત અને વડોદરામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં અનુક્રમે ૧૩ પૈસા, ૧૨ પૈસા અને ૧૩ પૈસાનો તફાવત છે. આ તફાવત સપ્તાહમાં દૂર થઈ જશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જોકે, છેલ્લા પાંચ દિવસમાં જે રીતે ભાવો ઘટ્યા છે તેને જોતા આ તફાવત જલદી દૂર થાય તેવી શકયતા પણ છે.

પેટ્રોલ અને ડીઝલ કારમાં

રૂ. એકથી દોઢ લાખનો તફાવત

રાજયમાં પેટ્રોલ અને ડીઝલ કારનું ધૂમ વેચાણ થાય છે. તેમાં પણ ગુજરાતીઓ ડીઝલના ભાવો ઓછા હોવાના લીધે ડીઝલ કાર ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. કાર વિક્રેતાઓ પણ પેટ્રોલ અને ડીઝલ કાર વચ્ચે રૂ. એકથી દોઢ લાખ જેટલો તફાવત રાખે છે. જે કાર પેટ્રોલ મોડલમાં રૂ. ૫ લાખમાં પડતી હોય તે જ મોડલની ડીઝલ કરા રૂ. ૬ લાખથી લઈને રૂ. ૬.૫૦ લાખ સુધી મળતી હોય છે. જોકે, હવે રાજયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો એક સમાન થઈ રહ્યા છે ત્યારે લોકોનો ડીઝલ કાર પ્રત્યેનો પ્રેમ પણ ઘટે તેમ લાગી રહ્યું છે. હાલમાં પણ ડીઝલની સરખામણીમાં પેટ્રોલ કારનું વેચાણ વધુ થઈ રહ્યુ છે.

પેટ્રોલ-ડીઝલ વચ્ચેનો તફાવત

શહેર        પેટ્રોલ        ડીઝલ        તફાવત

અમદાવાદ  રૂ. ૭૮.૪૯  રૂ. ૭૮.૩૫  ૧૪ પૈસા

રાજકોટ    રૂ. ૭૮.૩૧  રૂ.૭૮.૧૮   ૧૩ પૈસા

સુરત        રૂ. ૭૮.૪૯  રૂ. ૭૮.૩૭  ૧૨ પૈસા

વડોદરા     રૂ. ૭૮.૨૨  રૂ. ૭૮.૦૯  ૧૩ પૈસા

(10:55 am IST)