ગુજરાત
News of Monday, 22nd October 2018

ભરૂચઃ ગાંજાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

રેલવે સ્ટેશનેથી સગીર સાથે 87 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો હતો

 

ભરૂચ રેલવે સ્ટેશનેથી ત્રણ વર્ષ પૂર્વે 87 કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે એક શખ્સ અન્ય એક સગીર સાથે ઝડપાયો હતો જેનો ભરૂચ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં 20 વર્ષની સખત કેદની સજા કોર્ટ દ્વારા ફટકારાઈ છે સાથે રૂપિયા 2 લાખનો દંડ પણ કર્યો છે અને જો દંડ નહીં ભરે તો વધુ ત્રણ વર્ષની સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે.

 કેસની વિગત મુજબ ત્રણ વર્ષ પહેલાં ભરૂચ રેલવે સ્ટેશન પર પુરીથી ઓખા તરફ જતી ટ્રેનમાંથી બે લોકો 8 થેલા સાથે ઉતર્યા હતા. જેમાં પુરૂષોત્તમ મોહન જૈન અને તેની સાથે સગીર વયનો સાગરિત હતો.જે પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી બહાર જતાં સર્વેલન્સ ડ્યુટી પર રહેલા પોલીસ કર્મીઓએ તેમની તલાસી લેવા જતાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

  પોલીસે કોર્ડન કરીને તેમને ઝડપી પાડતાં તેમની પાસે રહેલા 8 થેલાઓમાંથી 87 કિલો 700 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં તેમને પોલીસને હવાલે કરતાં બાદમાં સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યારે સગીર વયનાં આરોપીને જુવેનાઈલ હોમમાં મોકલી અપાયો હતો

   ચાર્જશીટ કોર્ટમાં દાખલ થતાં એડિશનલ સેસન્સ જજ જી.એમ.પટેલની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદી પક્ષે સરકારી વકીલ આર.જે.દેસાઈએ મૌખિક તથા લેખિત દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેથી તેમની દલિલો અને દસ્તાવેજી પુરાવા માન્ય રાખી  આરોપી પુરૂષોત્તમ મોહન જૈનને 20 વર્ષની સખત કેદની સજા કોર્ટે સંભળાવી હતી. સાથે રૂપિયા 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો દંડ નહીં ભરે તો વધુ ત્રણ વર્ષની સજા કોર્ટે ફરમાવી હતી.

(12:52 am IST)