ગુજરાત
News of Friday, 23rd September 2022

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક દોઢ મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતી પૈકી એકની ધરપકડ

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી એક-દોઢ મહિનામાં રોકાણના ચાર ગણા આપવાની વિવિધ સ્કીમમાં રોકાણ કરાવી સેંકડો લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર 9 સ્ટારલાઈફના સંચાલક દંપત્તિ પૈકી પત્નીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી બાદમાં જામીન મુક્ત કરી હતી.

સુરતના ગોડાદરા વિસ્તારમાં શુભમ રેસિડન્સીની દુકાન નં.1 થી 5 માં 9 સ્ટારલાઈફ નામની સંસ્થાની ઓફિસ શરૂ કરી ગોડાદરા રાજપેલેસ પાસે સુમન સંકલ્પ એફ બિલ્ડીંગ ફ્લેટ નં.302 માં રહેતો રાજેન્દ્ર કિશન સોનવણે અને તેની પત્ની કવિતા કૈલાશ માળી એક-દોઢ મહિનામાં રોકાણના ચાર ગણા આપવાની વિવિધ સ્કીમમાં રોકાણ કરાવી સેંકડો લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર થઈ ગયા હતા. રૂ.12 લાખના દેવામાં ડૂબેલા સેલ્સમેન યુવાન મુકેશ કાશીનાથ બાવીસકર ( ઉ.વ.28, રહે.72, શિવાજી પાર્ક સોસાયટી, નવાગામ ડિંડોલી, સુરત ) એ 9 સ્ટારલાઈફ શરૂ કરનાર મિત્ર રાજેન્દ્રની વાત માની પરિવાર સહિત 384 સભ્યોના રૂ.43.12 લાખ રોક્યા હતા. જોકે, મિત્ર અને તેની પત્ની ફરાર થઈ જતા તેણે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન, આર્થિક ગુના નિવારણ શાખાએ ગત ફેબ્રુઆરી માસમાં દંપત્તિ પૈકી પતિ રાજેન્દ્ર કિશનભાઇ સોનવણે ( ઉ.વ.27, રહે.મકાન નં.11,12, શ્રીનાથજી નગર, નવાગામ ડીંડોલી, સુરત. મુળ રહે. અજંગ, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.જયારે ગતરોજ રાજેન્દ્રની પત્ની કવિતા ( ઉ.વ.23, રહે.હાલ એફ/302, સુમન સંકલ્પ આવાસ, શુભમ રેસીડન્સીની સામે, ગોડાદરા, સુરત. તથા મકાન નં. 11/12, શ્રીનાથજી નગર સોસાયટી, ગોડાદરા, સુરત. મુળ રહે.અજંગ, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) આગોતરા જામીન સાથે આર્થિક ગુના નિવારણ શાખામાં હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી બાદમાં જામીનમુક્ત કરી હતી.

(5:34 pm IST)