ગુજરાત
News of Monday, 23rd September 2019

બે દિનથી વરસાદને લઇ ગરબા ગ્રાઉન્ડ્સની તૈયારી અટકી પડી

વડોદરામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો વાતાવરણમાં બે દિવસથી પલટો આવતા વરસાદી માહોલ

અમદાવાદ, તા.૨૩: વડોદરા શહેરમાં આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળોથી વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવી ગયો છે અને ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. જેને કારણે ગરબાના ગ્રાઉન્ડની કામગીરી બે દિવસથી અટવાઇ ગઇ છે. વડોદરામાં છેલ્લા બે દિવસથી વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતાં સ્થાનિક ગરબા આયોજકો અને ખૈલેયાઓ ભારે ચિંતામાં મૂકાયા છે અને નવરાત્રિ દરમ્યાન વરસાદનું વિધ્ન ના નડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. વડોદરા શહેરમાં દિવસ દરમ્યાન ભારે ઉકળાટ બાદ સાંજે અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટકતાં રાવપુરા, કારેલીબાગ, માંડવી, અલકાપુરી, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

ધોધમાર વરસાદને પગલે શહેરીજનો રસ્તા પર જ અટવાઇ ગયા હતા. ગઇકાલે વડોદરા શહેરમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને પગલે હવે ગરબા આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા હતા. એટલું જ નહી, આજે પણ વરસાદ શરૂ થતાં ગરબા આયોજકોની ચિંતા વધી ગઇ છે. નવરાત્રી આડે માત્ર ૫ાંચ દિવસ જ બાકી રહ્યા છે અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે ગરબાના આયોજનમાં પાણી ફરી વળશે તેવી ચિંતા આયોજકોને સતાવી રહી છે. વડોદરા શહેરમાં છેલ્લા દસ દિવસથી ગરબાના આયોજકો ગરબા ગ્રાઉન્ડની તૈયારીમાં લાગ્યા છે અને વરસાદે તેમાં પાણી ફેરવી દીધુ છે અને બે દિવસથી સતત વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડની કામગીરી અટકી ગઇ છે. સતત બે દિવસથી વરસાદ થતાં ગરબાના આયોજનો અટવાઇ ગયા છે, રાસ-ગરબાના રસિયાઓ અને ખૈલેયાઓ પણ ભારે ચિંતામાં મૂકાયા છે.

(9:52 pm IST)