ગુજરાત
News of Monday, 23rd September 2019

રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ક્રાંતિકારી નિયમો જાહેર

બાંધકામ ક્ષેત્રને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ માટે પહેલ બાંધકામના નિયમોમાં મહત્વની જાહેરાત : કોમન પ્લોટથી નાના પ્લોટના કેસોમાં પ્લોટ સાઈઝ મુજબ માર્જિન રહેશે

અમદાવાદ,તા.૨૩: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં નિયમો સરળ અને સામાન્ય માનવીને પણ લાભકર્તા હોય તેવા સંવેદનાસ્પર્શી-પારદર્શી પ્રશાસનની નેમ સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ક્રાંતિકારી અને સંક્ષિપ્ત નિયમો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતીમાં ક્રેડાઇ ગુજરાત દ્વારા આયોજીત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ ર૦૧૯નો પ્રારંભ કરાવતા આ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે સર્વગ્રાહી સ્વીકૃત થાય એટલું જ નહિ, સરળતાએ આયોજન અને અમલ પણ થઇ શકે તે હેતુસર બાંધકામ નિયમોમાં કેટલીક મહત્વની જોગવાઇઓ કરી છે. વિજય રૂપાણીએ શહેરી વિકાસ ક્ષેત્રોને આયોજનબદ્ધ વેગ આપવા સાથે ખાનગી અને જાહેર જમીનો પરની ઝૂંપડપટ્ટી વસાહતોને સુવિધાયુકત આવાસ મળે તે માટે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત ર૦રર સુધીમાં સૌને આવાસ છત્ર મળે તેવા ભાવ સાથે તાજેતરમાં અનેક પહેલરૂપ નિર્ણયો કર્યા છે. એટલું જ નહિ, ટી.પી. એકટના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એક જ વર્ષમાં ૧૦૦ ટીપી સ્ક્રીમ મંજૂર કરવાની સિદ્ધિ મુખ્યમંત્રીએ હાંસલ કરી છે. તેમણે આ વર્ષ ર૦૧૯માં પણ નવ માસના ગાળામાં ૭પ ટીપી સહિત ૮ ડીપીને મંજૂરીઓ આપી આયોજનબદ્ધ શહેરી વિકાસની સંકલ્પબદ્ધતા દર્શાવી છે. વિજય રૂપાણીએ હવે બાંધકામના નિયમોમાં જે મહત્વપૂર્ણ જોગવાઇઓ કરી છે તેના પરિણામે નગરો-મહાનગરોમાં બાંધકામ ઊદ્યોગને નવી દિશા મળતી થશે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગ અંતર્ગત દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તામંડળ તેમજ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં દરેકને લાભ કર્તા રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવાનો પ્રયત્ન આ નવી જોગવાઇઓ દ્વારા કર્યો છે.

(9:43 pm IST)