ગુજરાત
News of Monday, 23rd September 2019

ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં પુરપાટ ઝડપે જતા ટેમ્પાના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગૂમાવતા ડિવાઈડર સાથે અથડાઈ ટેમ્પો પલટાયો: શ્રમિકનું કમકમાટીભર્યું મોત: 3ને ગંભીર રીતે ઇજા

ખેડા: તાલુકાના કનેરા ગામની સીમમાંથી પુરપાટ ઝડપે પસાર થતાં એક ટેમ્પાના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં ટેમ્પો ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટેમ્પાના ચાલક તેમજ તેમની સાથે કેબિનમાં બેઠેલા બે ઈસમો મળી કુલ ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જ્યારે ટેમ્પામાં પાછળ બેઠેલા એક શ્રમિકનુ દબાઈ જવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ફરિયાદ લઈ ટેમ્પાના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ દસક્રોઈ તાલુકાના બારેજામાં રહેતાં ઈશ્વરલાલ મનરૂલાલ ગુજ્જર અને દેવીલાલ મોહનજી ભીલ ગત ગુરૂવારના રોજ ગામમાં રહેતાં ખોડાજી શનાજી સોલંકીના ટેમ્પા નં. જીજે-૦૧,બીયુ ૨૮૬૪ લઈ મલ્હારપુરા પાટીયા નજીક આવેલ એક ગોડાઉનમાંથી ભંગાર ભરવા માટે નીકળ્યાં હતાં. જ્યાં ટેમ્પામાં ભંગાર ભરી લીધાં બાદ ભંગારના ગોડાઉનના માલિક અશરફ મુસ્તાક પઠાણ અને ઈશ્વરલાલ ગુજ્જર ટેમ્પાના કેબીનમાં ડ્રાઈવર ખોડાજી સોલંકી સાથે બેસી તેમજ દેવીલાલ ભીલ ટેમ્પામાં પાછળ બેસી જઈ બારેજા પરત આવવા નીકળ્યાં હતાં. માર્ગ પર થોડે આગળ ગયા બાદ ચાલક ખોડાજી સોલંકીએ ટેમ્પાની સ્પીડ વધારી બેફિકરાઈથી હંકારવા લાગ્યાં હતાં. જેથી ટેમ્પાના કેબિનમાં બેઠેલા ઈશ્વરલાલ અને અશરફ પઠાણે ટેમ્પો ધીમી ગતિએ ચલાવવા માટે ચાલક ખોડાજી સોલંકીને ટકોર કરી હતી. તેમ છતાં ખોડાજી સોલંકીએ પોતાની ટેમ્પો પુરઝડપે હંકારવાનો ચાલુ રાખ્યો હતો. દરમિયાન તેઓ કનેરા ગામની સીમમાં આવેલ માધવ હબ આગળ રોડ પરથી પુરપાટ ઝડપે પસાર થતાં હતાં તે વખતે ચાલક ખોડાજી સોલંકીએ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં ટેમ્પો ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયો હતો. ડિવાઈડરને અથડાયાં બાદ ટેમ્પો પલટી ખાઈ જતાં ટેમ્પાના ચાલક ખોડાજી સોલંકી તેમજ તેમની સાથે કેબિનમાં બેઠેલા ઈશ્વરલાલ ગુજ્જર અને અશરફ પઠાણ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જ્યારે ટેમ્પામાં પાછળ ભરેલા ભંગાર ઉપર બેઠેલાં દેવીલાલ ભીલ ભંગાર નીચે દબાઈ જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા દેવીલાલ મોહનજી ભીલનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

(5:59 pm IST)