સુરતના મહિધરપુરામાં પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ડિટેન કરેલ રીક્ષાનો ગેસ લીકેજ થતા દોડધામ મચી જવા પામી: પોલીસ કર્મીઓ ભાગદોડમાં
સુરત: શહેરના મહિધરપુરા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ડિટેન કરેલી રીક્ષા માંથી આજે સવારે ગેસ લીકેજ થતા પોલીસ કર્મી સહિતનાઓ માં ભાગદોડ મચી જવા પામી હતી.
ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહિધરપુરા પોલીસ મથના કમ્પાઉન્ડમાં થોડા દિવસ અગાઉ ડિટેન કરેલી સીએનજી રીક્ષા મૂકવામાં આવેલી હતી. આજે સવારે 9:30 વાગે તે રીક્ષામાંથી અચાનક ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું. જોકે પોલીસકર્મી સહિતનાઓને ગેસની ગંધ આવતી હતી જેથી પોલીસ જવાનોના જીવ તાળવે ચોંટી ગયો હતો.
કોઇ મોટી દુર્ઘટના સર્જાય નહીં અને આગ ન લાગે તેથી સાવચેતીના ભાગરૂપે પોલીસ જવાનો એ ફાયરબ્રિગેડમાં કોલ કર્યો હતો જેથી ફાયર વિભાગના જવાનો તરત જ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને તેમણે ચેક કરતાં જાણવા મળ્યું હતું કે સીએનજી રીક્ષાનો વાલ ખુલી જવાના લીધે ગેસ લીકેજ થતો હતો.