ગુજરાત
News of Monday, 23rd September 2019

સંખેડાના દાંડીયાની ખરીદી જોઇએ તેવી ન નિકળી : મંદીના ગ્રહણથી વેપારીઓ નિરાશ

આર.ટી.ઓના કડક નિયમોથી કાગળીયા કમ્પલીટ કરવામાં વ્યસ્ત બની ગયાનું પણ ચર્ચાતુ તારણ

રાજકોટ તા. ૨૩ : નવરાત્રીના તહેવારો નજીક આવતા જ સંખેડાના દાંડીયાની માંગ ચોમેરથી નિકળી પડતી હોય છે. અહીંના ખરાદી સમાજ દ્વારા તૈયાર થતા દાંડીયા ખુબ વખણાય છે. પરંતુ આ વર્ષે સાગના લાકડામાંથી તૈયાર થતા સંખેડાના રંગબેરંગી દાંડીયાનો વેપાર ખુબ નબળો જણાઇ રહ્યો છે.

છોટા ઉદેપરનું સંખેડા ગામ દાંડીયા માટે ખુબ જાણીતુ છે. તેમજ અહીંનું હસ્તકલાનું સોનેરી કામ પણ વખણાય છે. ૨૦૦ જેટલા પરીવારોનું ગુજરાત સાગના લાકડામાં દાંડીયા, સોફા, હીંચકા સહીતની કલાકૃતિઓ બનાવવાના કામ સાથે સંકળાયેલુ છે. અહીં તૈયાર થતી વસ્તુઓ છેક વિદેશ સુધી પહોંચે છે. નવરાત્રીના દિવસોમાં તો સંખેડાની આ બધી વસ્તુઓની મોટી ડીમાન્ડ નીકળતી હોય છે.

પરંતુ આ વર્ષે જાણે કે મંદીનું ગ્રહણ તેનેય નડી ગયુ હોય તેમ નવરાત્રી નજીક આવી જવા છતાય સંખેડામાં તૈયાર થતા માલની જોઇએ તેવી ખરીદી નીકળી નથી. પરિણામે વેપારીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

એક વાત એવી પણ ચર્ચાઇ રહી છે કે વાહન વ્યવહાર માટે કડક નિયમો બનાવવામાં આવતા લોકો તેમાં ગુંચવાયા હોય આવા આવા માલની ખરીદી કરી શકયા નથી. આર.ટી.ઓ. કચેરીની બહાર લાંબી લાઇનો જોવા મળી રહી છે. આ કામોમાંથી પરવાર્યા બાદ લોકો ખરીદીના મુડમાં કદાચ આવે તેવો તર્ક પણ લગાવવામાં આવી રહ્યો છે. કારણો ગમે તે હોય પણ નવરાત્રીમાં જેના વગર ન ચાલે તેવા દાંડીયા સહીતની વસ્તુઓની ખરીદી નહીં નીકળતા વેપારીઓમાં ભારે નિરાશા વ્યાપી છે.

(3:52 pm IST)