ગુજરાત
News of Monday, 23rd September 2019

IPS અધિકારી-ઓનાં ખાનગી ચર્ચા ચોરાની વાત

બનાસકાંઠા-પાટણની ચૂંટણીઓ જાહેર થઈ પરંતુ આ બન્ને જિલ્લાના એસપીઓની ખાલી જગ્યા ભરવામાં તંત્ર 'ગોથું' ખાઈ ગયું કે શું ?

અમિતભાઈની અચાનક મુલાકાતે શનિ-રવિની રજામાં આઈપીએસ અધિકારીઓના નિકળનાર બદલીની ચર્ચાઓને હવા મળી, પરંતુ તંત્રએ ફરી એક વખત ઉચ્ચ અધિકારીઓને નિરાશ કર્યા : થરાદ(બનાસકાંઠા) અને સિદ્ધપુર(પાટણ)માં રેગ્યુલર એસપી વગર ચૂંટણીઓ કરી ઈતિહાસ સર્જાશે કે કેમ ? કેન્દ્રીય ચૂંટણી પંચ તૂર્તમાં જ નિયમોનુસાર ખાલી જગ્યા ભરવા આદેશ આપશે કે જાતે પોસ્ટીંગ કરી નાખશે ? ઉમેદવારોના નામ અંગેના રાજકીય ગરમાવા જેવો જ ગરમાવો પોલીસ તંત્રમાં એસપીઓની ખાલી જગ્યાએ કોની નિમણૂંક થશે ? તે માટે પ્રવર્તી રહ્યો છે

રાજકોટ, તા. ૨૩ :. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ખાલી પડેલ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવતા હવે પ્રશ્ન એ સર્જાયો છે કે બનાસકાંઠાના થરાદમાં અને પાટણ પંથકના રાધનપુરમાં રેગ્યુલર એસપીઓની જગ્યા ખાલી હોવા છતા ચૂંટણી પંચના નિયમ મુજબ જગ્યા ભર્યા બાદ જ ચૂંટણી થઈ શકે તે નિયમોનું પાલન થશે કે કેમ ? તે બાબત આઈપીએસ વર્તુળોમાં હોટટોપીક બનવા સાથે અચાનક અમિતભાઈ પારીવારિક કારણોસર અમદાવાદ ટૂંકી મુલાકાતે આવતા આઈપીએસ અધિકારીઓ કે જેઓ શનિ-રવિની રજામાં ટોપ ટુ બોટમ બઢતી-બદલીઓ થશે તેવી દ્રઢ માન્યતા ધરાવતા હતા તેમાં સોમવારની પરોઢ સુધી રાહ જોયા બાદ કંઈ સળવળાટ ન થતા નસીબને દોષ દઈને નિરાશાની ગરતામાં ધકેલાયા હતા.

જે રીતે બનાસકાંઠામાં થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ રાજીનામુ આપી સાંસદ બન્યા અને આ જગ્યા ખાલી પડી છે તેવી આ જગ્યાએ પરબતભાઈના પુત્ર શૈલેષભાઈને ટીકીટ અપાશે કે પછી શંકરભાઈ ચૌધરીને ? તે પ્રશ્ન રાજકીય રીતે હોટટોપીક છે. તેવુ જ પોલીટીકસની માફક પોલીસમાં બનાસકાંઠા અને પાટણના એસપીની ખાલી જગ્યાઓ તંત્ર નહિ ભરે તો ચૂંટણી પંચ નિયમોનુસાર જગ્યા ખાલી રાખી શકાય તેમ ન હોય તેવો આદેશ કરી આ જગ્યાઓ ભરશે કે કેમ ? તે બાબત પણ મહત્વની બની છે.

આજ રીતે પાટણ પંથકના રાધનસભા મત વિસ્તારની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર સામે મગનજી ઠાકોરની ઉમેદવારી અને કોંગ્રેસ દ્વારા વાવના ધારાસભ્ય ગેનીબેનને મેદાને ઉતારવાની વ્યુહરચનાની બાબત જે રીતે રાજકીય રીતે ગરમ બની છે તે જ રીતે પાટણના એસપીની જગ્યા પણ ખાલી હોવાથી આ જગ્યા પર તાકીદે નિમણૂક થશે કે પછી ચૂંટણી પંચ અહીં પણ એસપી નિમવા માટે તંત્ર પાસે પેનલ મંગાવશે ?

એ બાબત જાણીતી છે કે બનાસકાંઠાના એસપી પ્રદીપ શૈજુલ અને તેમના ધર્મપત્નિ શોભા ભૂતડા શૈજુલ કે જેઓ પાટણના એસ.પી. તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કેન્દ્રીય ડેપ્યુટેશન પર દિલ્હી ખાતે આઈબીમાં જતા આ જગ્યાઓ ખાલી પડી છે. નવાઈની વાત એ છે કે, પેટાચૂંટણીની જાહેરાત થવાના સમય સુધી આ જગ્યા પર કોને પોસ્ટીંગ આપવું ? તે બાબતે ગૃહખાતાએ ઉદાસીનતા સેવી છે. સુરતના પોલીસ કમિશ્નર કે જેનુ સ્થાન ખૂબ જ મહત્વનુ છે તેવી આ જગ્યા પર અમિતભાઈના વિશ્વાસુ ગુજરાતી આઈપીએસને પોસ્ટીંગ આપવા માટેના નિર્ણયને કારણે ગુંચવડો સર્જાયો છે. આજ રીતે અમદાવાદ સીટી ક્રાઈમના બોસ કોને બનાવવા ? તે પ્રશ્ન છે. આ જગ્યા માટે જૂના જોગી અભયસિંહ ચુડાસમાના નામ સાથે રાજ્ય પોલીસ તંત્રમાં કડક અને કાર્યદક્ષ અધિકારી તરીકેની વડાપ્રધાનની ગુડસ બુકમાં સ્થાન ધરાવતા મનોજ શશીધર તથા પ્રસંશનીય કામગીરી માટે જાણીતા અજયકુમાર તોમરના નામ પણ ચર્ચામાં છે. આ જગ્યા અપગ્રેડ કરી સ્પેશ્યલ પોલીસ કમિશ્નરની કરવી કે કેમ ? તે બાબતે પણ વિચારણા છે. રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને આઈબીમાંથી ખસેડવામાં આવે તો તેમના જેવા બીજા વિશ્વાસુની પસંદગી કરવી પડે. આ પસંદગીમાં પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ માટે જે નામો છે તે જ નામો ચર્ચામાં છે. આમ કોઈ નિર્ણય ન લેવાતા અનેકવિધ અનુમાનો અને આશ્ચર્ય સર્જાયુ છે.

(12:13 pm IST)