ગુજરાત
News of Monday, 23rd September 2019

ધો.૧રની ઉત્તરવહીની ચકાસણીમાં ભૂલ કરનાર શિક્ષકો પાસેથી ૩૦ લાખનો દંડ વસૂલાયો

માર્કસની કુલ ગણતરીમાં ભુલ કરનારા એટલે કે સરવાળા કરવાની સામાન્ય ભૂલો કરનાર શિક્ષકોને દંડ ફટકાર્યો હતો

અમદાવાદ તા. ર૩ :.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૧૯ માં લેવાયેલી પરીક્ષામાં ધોરણ-૧ર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઉત્તર વહીની ચકાસણી દરમિયાન બેદરાકરી કરનાર ૩પ૧૭ શિક્ષકો અને સમીક્ષકોને શિક્ષણ બોર્ડ દ્વારા ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. માકર્સની કુલ ગણતરીમાં ભુલ કરનારા એટલે કે સરવાળા કરવાની સામાન્ય ભૂલો કરનાર શિક્ષકોને દંડ ફટકાર્યો હતો.

ગાંધીનગર શિક્ષણ બોર્ડની કચેરી ખાતે ઉત્તરવહીની ચકાસણીમાં માકર્સની કુલ ગણતરીમાં ભુલ કરનારા વિવિધ શિક્ષકો અને સમીક્ષકોને ગયા મહિને હિઅરિંગ માટે બોલાવાયા હતાં. શિક્ષણ બોર્ડના સત્તાવાળાઓએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરેલી ઉત્તરવહીની ચકાસણીની કાર્યવાહીમાં માકર્સની ગણતરીમાં ગોટાળો કરનારા શિક્ષકો અને સમીક્ષકોને બોલાવવામાં આવ્યા હતા અને ગણતરીમાં ૧૦ થી વધુ માર્કની ભુલ કરનારા શિક્ષકો અને સમીક્ષકોને બિલ દીઠ ૧૦૦ના હિસાબે રૂપિયા ૧૦૦૦ કે તેથી વધુની દંડની સજા ફટકારી હતી, જેમાં ધોરણ-૧ર સાયન્સના વિવિધ વિષયની ઉત્તરવહીની ચકાસણીમાં સરવાળા-માકર્સનું ટોટલ કરવામાં ભુલ કરનારા ૪૧૭ શિક્ષક અને સમીક્ષકોને છ લાખનો દંડ કર્યો હતો. ધોરણ-૧ર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની વિવિધ ઉત્તરવહીની ચકાસણીમાં ટોટલ મારવામાં ભુલ કરનારા ૩૧૦૦ થી વધુ શિક્ષક-સમીક્ષકોને રૂપિયા ર૪ લાખનો દંડ ફટકારાયો હતો. જો કે આ શિક્ષકોમાં દસ માર્કથી ઓછી ભૂલ કરનારા શિક્ષકોનો સમાવેશ કરાયો નથી. તેમને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય એની કાળજી રાખવા માટે ચીમકીભરી સુચના આપવામાં આવી હતી.

(11:44 am IST)