ગુજરાત
News of Monday, 23rd September 2019

દાંતા પૂર્વ રેન્જની સીમમાં રીંછને મારીને જમીનમાં દાટી દેવાયું ! : વાઈલ્ડ આલમમાં ખળભળાટ મચાવતો કિસ્સો

જમીનમાં દાટેલું રિંછ મળી આવ્યા બાદ જિલ્લા જંગલ આલમમાં ભૂકંપ : રાતોરાત પોસ્ટમોર્ટમ શરૂ કરાયું

બનાસકાંઠા જિલ્લાના દાંતા પૂર્વ રેન્જ હેઠળની સીમમાં રીંછ મૃત હાલતમાં મળી આવ્યા બાદ જિલ્લા વાઈલ્ડ આલમમાં ખળભળાટ મચી ગયો છે જેમાં રીંછને મારી નાખી માણસની જેમ જમીનમાં દાઢી દીધું હતું. જેની જાણ થતાં યુધ્ધના ધોરણે બહાર કાઢી રાતોરાત પોસ્ટમોર્ટમ શરૂ કરાયું છે. આ તરફ શંકાસ્પદ આરોપીઓ ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

    બનાસકાંઠા જિલ્લાની દાંતા પૂર્વ જંગલ રેન્જ હેઠળના જોરાપુરા ગામની સીમમાં રીંછ વિશેની ગંભીર બાબત સામે આવી હતી. આથી વાઇલ્ડ લાઇફ અને પોલીસ સહિતની ટીમે ગામની સીમમાં પહોંચી શંકાસ્પદ જમીનમાં ખોદકામ કરતાં આંખો પહોળી થઇ ગઈ હતી. જમીનમાંથી મૃત હાલતમાં રીંછ મળી આવતાં ફોરેસ્ટ આલમમાં ચકચાર મચી ગઇ છે. રીંછનુ મોત કેવી રીતે થયું અને કોણે દાટી દીધું તે સવાલ સૌથી મોટો બન્યો છે. આથી જંગલ અધિકારીઓ દ્વારા રીંછનુ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે.

સમગ્ર મામલે રેન્જના ફોરેસ્ટર સૌકતભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, રીંછ જે સ્થળેથી મળી આવ્યું તેના ખેતર માલિકની તપાસ કરી છે. જેમાં શંકાસ્પદ આરોપીઓ ફરાર હોઇ તપાસ ચાલી રહી છે. આ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનાં કારણો પકડાયાં બાદ તપાસની દિશા વધુ ચોક્કસ થશે. જોકે જમીનમાં દાટેલું રિંછ મળી આવ્યા બાદ જિલ્લા જંગલ આલમમાં જાણે ભૂકંપ આવ્યો છે.

રીંછના  મોત બાદ કોઈએ જમીનમાં દાટી દીધું હતું. જેથી તેનું અકસ્માતે મોત થયું હશે અને સ્થાનિકોએ દાટ્યું હશે કે હત્યા કરી હશે ? આ તમામ સવાલોના જવાબ શોધવા બનાસકાંઠા વાઇલ્ડ માટે અત્યંત મહત્વના બન્યા છે.

(12:01 am IST)