ગુજરાત
News of Monday, 23rd September 2019

લો પ્રેસર વાવાઝોડામાં પરિવર્તીત થશેઃ નબળુ પડી ઓમાન તરફ ફંટાશેઃ વરસાદની શકયતા નહિવત

આમ છતા દરિયાકાંઠાના વિસ્તારોને હાઇએલર્ટ કરાયાઃ આ સપ્તાહમાં ચોમાસુ વિદાય લ્યે તેવી સંભાવના

અમદાવાદ :અરબી સમુદ્રમાં પૂર્વ-મધ્ય તેમજ ઉત્ત્।ર-પૂર્વ તરફ લો-પ્રેસર સર્જાયું હતું, જે હાલમાં ગુજરાતના વેરાવળથી પશ્ચિમ-દક્ષિણ તરફ  હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં આ લો-પ્રેસર વાવાઝોડમાં પરિવર્તીત થઈ જશે. જો કે, આવતા ૭૨ કલાકમાં ચક્રવાત ઓમાનનાં દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના પૂરે પૂરી રહેલી છે. જો કે આ વાવાઝોડુ નબળુ પડી ઓમાન તરફ ફંટાઇ જશે.

ગુજરાતના દરિયાકાંઠા નજીક સર્જાયેલા ડીપ્રેશનને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી દરિયામાં ૪૫-૫૫ કિમી અને મહત્ત્।મ ૬૫ કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે જેને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. હાલ પોરબંદર સહિતનાં તમામ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.

આ સીસ્ટમ્સ ડીપ્રેશનમાં તબદીલ થઈ   છે અને ત્યારબાદ ૨૪ કલાકમાં ચક્રવાતમાં તબદીલ થશે. જો કે વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના હોવાથી ગુજરાતના દરિયાકાંઠા પર કોઈ પ્રતિકૂળ સ્થિતિની આશંકા નથી.તેમ છતા રાજય સરકારે તકેદારીના ભાગરૂપે તંત્રને તમામ મોરચે સતર્ક રહેવા જણાવ્યું છે. (૪૦.૪)

(12:02 pm IST)