ગુજરાત
News of Friday, 23rd July 2021

સરકારે ધો. ૯થી ૧૧ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાનો નિર્ણય સાથે હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે કોઇ સ્‍પષ્‍ટતા કરી નથી

હોસ્‍ટેલમાં રહીને અભ્‍યાસ કરનારા વિદ્યાર્થીઓને અનેક મુશ્‍કેલીઃ મોટાભાગની હોસ્‍ટેલો બંધ છે

ગાંધીનગર : ધો.9થી 11ની શાળાઓ સોમવારથી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો : પરંતુ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી તેથી હોસ્ટેલના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે.

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સોમવારથી ધોરણ-9થી 11ની સ્કૂલો શરૂ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, રાજ્યમાં સોમવારથી ધોરણ-9થી 12 સુધીની શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે શરૂ થશે. પરંતુ સરકાર દ્વારા હોસ્ટેલ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ મુદ્દે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. જેમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્યાને લઈને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેમ જણાવાયું છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના પગલે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત વખતે માત્ર ઓનલાઈન ક્લાસ શરૂ રાખવા માટેની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ રાજ્યમાં કોરોનાના કેસો કાબુમાં આવતા સંચાલકોની માંગણીને ધ્યાને લઈને માત્ર ધોરણ-12ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે સરકાર દ્વારા સોમવારથી ધોરણ-9થી 11માં પણ વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આમ, સોમવારથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 50 ટકા ક્ષમતા સાથે શિક્ષણ કાર્ય શરૂ થશે. જો કે હજુ સુધી પ્રાથમિક વિભાગમાં શાળાઓ શરૂ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ ધોરણ- 9થી 12માં શિક્ષણ શરૂ થવાનું છે ત્યારે હોસ્ટેલને લઈને અવઢવભરી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ માટે શહેરી વિસ્તારમાં આવે છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય છે. હવે જ્યારે સરકાર દ્વારા ધોરણ-9થી 12ના વર્ગો પ્રત્યક્ષ શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે હોસ્ટેલ અંગે કોઈ જ નિર્ણય લેવાયો ન હોવાથી હોસ્ટેલો હજુ પણ બંધ છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હોસ્ટેલો બંધ હોવાના લીધે પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં અલગ અલગ વિભાગો દ્વારા સંચાલિત છાત્રાલયો જેમ કે આદિજાતિ કલ્યાણ વિભાગની સહાયથી ચાલતા છાત્રાલયો અને ખાનગી શાળાઓ સંલગ્ન વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયો આ તમામમાં ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ આવેલા છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરે છે. રાજ્ય સરકાર દ્વારા છાત્રાલય શરૂ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કે જાહેરાત કરવામાં આવેલી નથી. જેથી આ અંગે ઝડપી અને યોગ્ય નિર્ણય લઈને માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવે જેથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી શકે તેવી વિનંતી કરી છે.

(9:22 pm IST)