ગુજરાત
News of Monday, 23rd July 2018

મુનિ શ્રી પ્રસન્નસાગરજીના ૪૯ જન્મદિવસે સોના-ચાંદીની વર્ષા

સરદાર પટેલ સેવા સમાજના પટાંગણમાં ઉજવણીઃ ગુરુભકતો દ્વારા સોના-ચાંદીના કિંમતી પેઇન્ટીંગ્સ, ૨૫ કિલોગ્રામ ચાંદીનું સિંહાસન ગુરૂદેવને વિધિવતરીતે અર્પણ

અમદાવાદ, તા.૨૩: ભારત ગૌરવ, તપસ્વી સમ્રાટ, અંતર્મના મુનિ શ્રી પ્રસન્નસાગરજીના ૪૯ અવતરણદિને આજે શહેરના સરદાર પટેલ સેવા સમાજ પટાંગણ ખાતે મહારાજ સાહેબના ૪૯મા જન્મદિને સોના-ચાંદીની વર્ષા થઇ હતી. અમદાવાદ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ સહિતના રાજયો અને ચીનથી આવેલા ભાવિકોએ સોના-ચાંદીના પેઇન્ટીંગ્સ અને ૨૫ કિલો ચાંદીનું સિંહાસન ગુરૂદેવ મુનિ શ્રી પ્રસન્નસાગરજી મહારાજ સાહેબને ભકિતભાવથી અર્પણ કરીને મહારાજ સાહેબનો જન્મદિન ભારે ધામધૂમપૂર્વક અને ભવ્યતાથી ઉજવ્યો હતો. આ પ્રસંગે ગુરૂદેવ મુનિ શ્રી પ્રસન્નસાગરજીએ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. ભારત ગૌરવ, તપસ્વી સમ્રાટ, અંતર્મના મુનિ શ્રી પ્રસન્નસાગરજીના ૪૯ મા જન્મદિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગીત-સંગીત સાથે જાણે ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું. રાજસ્થાનના કિશનગઢથી આવેલા વિનોદ પાટની નામના ભકતે ગુરૂદેવને ચાંદીનું સિંહાસન અર્પણ કર્યું હતું. આ સિંહાસન પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મુનિ શ્રી પ્રસન્નસાગરજીના જન્મદિનની ઉજવણીને લઇ અમદાવાદ ઉપરાંત, કલકત્તા, ચેન્નાઇ, ઇન્દોર, મુંબઇ, દિલ્હી, ઔરંગાબાદ, જયપુર, બેંગ્લુરૂ, ઉદયપુર સહિતના વિવિધ શહેરોમાં ઉદ્યોગપતિઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને ભકતજનો પધાર્યા હતા. સેંકડો ભકતોએ ભારે ભકિતભાવ સાથે ગુરૂદેવના ૪૯ મા જન્મદિન નિમિતે ૪૯ દિવાઓની મહાઆરતી કરીને તેમનું પૂજન કર્યું હતું. યુવા ભકતોએ પોલીસ, એરફોર્સ, કમાન્ડો અને નેવીની વેશભૂષામાં સ્ટેજ સુધી માર્ચપાસ્ટ કરી ગુરૂદેવને સલામી આપી હતી. જન્મદિવસની ઉજવણમાં એ પ્રસંગો પણ નોંધનીય બની રહ્યા કે જયારે ભકતજનો દ્વારા અંતર્મના મુનિ શ્રી પ્રસન્નસાગરજી તેમ જ તેમના ગુરૂદેવના સોનામાંથી બનાવેલા વિવિધ પેઇન્ટીંગ ગુરૂદેવને અર્પણ કર્યા હતા. ઉપરાંત, માત્ર ચંદનના લાકડામાંથી તૈયાર કરાયેલું ગુરૂદેવનું ચિત્ર પણ અર્પણ કરાયું હતું. આ ઉજવણીના અનુસંધાનમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં ફળફળાદિનું દર્દીઓ,  તેમના સગાવ્હાલાઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

(10:32 pm IST)