ગુજરાત
News of Monday, 23rd July 2018

ભારે વરસાદ વચ્ચે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન

વાવણી કામગીરીને પણ પ્રતિકુળ અસર થઇઃ આણંદ અને નજીકના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા

અમદાવાદ,તા. ૨૩: રાજ્યના અનેક વિસ્તારોમાં હાલમાં અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે વાવણી કામગીરી ઠપ થઇ ગઇ છે. બીજી બાજુ છોડને પણ ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેના લીધે હાલત કફોડી બનેલી છે. આણંદ જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ સરળતાથી જોઇ શકાય છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે રાસ-ધુવારણ માર્ગ નજીક રાસ, અમિયાદ સહિના સ્થળો ઉપર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ચારેબાજુ પાણી નજરે પડે છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. જે ખેડૂતોએ અનાજના છોડ રોપ્યા હતા તે પણ ખરાબ થવાની શંકા દેખાઈ રહ્યા છે. આ વિસ્તારમાં ખેડૂતો મોટાભાગે અનાજના પાક લેતા હોય છે પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે હાલત કફોડી બનેલી છે. ખેડૂતોના કહેવા મુજબ વધારે દિવસ સુધી પાણી ભરાઈ જવાના લીધે પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. અન્ય પાકની વાવણી કામગીરી પણ ખોરવાઈ ગઈ છે. ખેડૂતો ચિંતાતુર બનેલા છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં ભારે વરસાદ થયો છે જેના લીધે માત્ર આણંદના ગ્રામીણ વિસ્તારો જ નહીં બલ્કે અન્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ બનેલી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ચેક ડેમ ભરાઈ ગયા છે જેના લીધે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. આસપાસના વિસ્તારોમાંથી પાણી ચેકડેમમાં આવવાથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આજેગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા સિવાય કોઇ વધારે વરસાદ થયો ન હતો.

(10:26 pm IST)