ગુજરાત
News of Monday, 23rd July 2018

અમદાવાદમાં ભુવા નાગરિકો માટે ખતરનાક-જોખમી : કોર્ટ

ટેકનોલોજીનો ઉપયોગ કરી નિવારણ લાવવા તાકીદ : રસ્તાઓને અડીને થયેલા બાંધકામ-અતિક્રમણ દૂર કરવા કોર્પોરેશનને નિર્દેશ : પાર્કિંગ માટે કાર્યવાહી કરવાનો હુકમ

અમદાવાદ, તા.૨૩ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક, બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરાઇ હતી, જે દરમ્યાન હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓ અને રાજય સરકારના સત્તાધીશોને કેટલીક માર્મિક ટકોર કરી હતી. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે હાલમાં શહેરમાં પડેલા જોખમી ભુવાઓ પરત્વે ભારે ચિંતા વ્યકત કરી અમ્યુકો સત્તાધીશોને કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા. હાઇકોર્ટે અમ્યુકો અને સરકારના સત્તાધીશોને સાફ શબ્દોમાં ચેતવ્યા હતા કે, શહેરમાં હાલ પડી રહેલા ભુવાઓ નાગરિકો માટે જોખમી બની શકે છે અને તેના કારણે ગંભીર અકસ્માત કે જાનહાનિ પણ સર્જાવાની દહેશત છે ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ના હોય તો વૈજ્ઞાનિક ઢબે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી કાયમી ધોરણે કઇ રીતે નિવારણ થઇ શકે તેમ છે તે દિશામાં પગલાં લેવા સૂચન કર્યું હતું. હાઇકોર્ટે શહેરમાં જોખમી ભુવાઓને મુદ્દે વર્તમાનમાં અને ભવિષ્યમાં શું કામગીરી થશે તે અંગે પણ અમ્યુકો પાસેથી જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે શહેરમાં રોડ-રસ્તાઓને અડીને થયેલા બાંધકામો-દબાણો દૂર કરવા અમ્યુકો સત્તાવાળાઓને નિર્દેશ કર્યો હતો તો સાથે સાથે ટ્રાફિક પોલીસ તંત્રને શહેરમાં કાયમી ધોરણે ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે ઝુંબેશ કાર્યવાહી ચાલુ રાખવા પણ કડક તાકીદ કરી હતી. કેસની આજની સુનાવણી દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશ્નર એ. કે. સિંઘ અને ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈ સહિતના અધિકારીઓ ખાસક હાજર રહ્યા હતા. શહેરમાં તાજેતરમાં પડેલા જોખમી ભુવાઓને લઇ હાઇકોર્ટે કરેલી પૃચ્છા દરમ્યાન અમ્યુકો સત્તાવાળાઓ તરફથી એવો બચાવ રજૂ કરાયો હતો કે, જૂની પાઇપલાઇનો અને જમીન બેસી જવાના કારણે ભુવા પડી જાય છે. જો કે, તંત્ર ભુવા રિપેર કરવા માટે યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. દરમ્યાન પોલીસ તંત્ર તરફથી હાઇકોર્ટ સમક્ષ જરૃરી વિગતો રજૂ કરતાં જણાવાયું હતું કે, હાઇકોર્ટના નિર્દેશો બાદ ટ્રાફિક વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેમાં પોલીસે ૬ દિવસમાં તા.૧૬થી તા.૨૧ જૂલાઇ સુધીમાં નો પાર્કિંગના ૧૨,૨૪૭ કેસ કર્યા અને રૃ. ૧૨,૨૪,૭૦૦ દંડ વસૂલ્યો હતો. જ્યારે ૬ મહિનામાં જાન્યુઆરીથી જૂન સુધીમાં નો પાર્કિંગના ૧,૦૨,૨૮૧ કેસ અને રૃ. ૧.૦૩ કરોડ દંડની વસૂલાત કરી હતી.

એટલું જ નહી, આ ઉપરાંત ટ્રાફિક પોલીસે વાહનો ટો કરી ૯.૩૬ લાખનો દંડ વસૂલ કર્યો હતો તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ૬૨૭ કેસ કરવામાં આવ્યા હતા. તો, આઈપીસીની કલમ ૨૮૩ (ભયજનક પાર્કિંગ કરવું) હેઠળ ૯૧૬ એફઆઈઆર નોંધવામાં આવી હતી. છેલ્લા છ દિવસમાં ચાર રસ્તાથી ૫૦ મીટરમાં નો પાર્કિંગના પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ૬૨૪ કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા નહીં કરનારા ૨૪૯ કોમર્શિયલ કોમ્પલેક્સ કે દુકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. અમ્યુકો અને ટ્રાફિક વિભાગ તરફથી કરાયેલી રજૂઆત ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ નિર્દેશો કર્યા હતા.

(8:12 pm IST)