ગુજરાત
News of Thursday, 23rd June 2022

સૌરાષ્‍ટ્રમાં કોંગ્રેસનો સોમનાથથી ચૂંટણીલક્ષી શંખનાદ

દક્ષિણ, મધ્‍ય અને ઉત્તર ગુજરાતમાં ઝોનવાઇઝ કારોબારી બાદ આજે કોંગ્રેસમાં વરિષ્‍ઠ આગેવાનોની ઉપસ્‍થિતિમાં ઝોનલ કારોબારી : આજે સવારે બાઇક - કાર રેલી યોજી સોમનાથ દાદાને ધ્‍વજારોહણ : સાંજે ૪ વાગ્‍યે કારોબારી બેઠક : ડો. શર્મા, રાઠવા, ઠાકોરની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ૨૩ : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્‍યા છે. ભાજપ વન-ડે વન ડીસ્‍ટ્રીકટ, આપ દ્વારા એકતાયાત્રા અને કોંગ્રેસે ઝોન વાઇઝ કારોબારી બેઠકો યોજી ‘મારૂં બુથ મારૂં ગૌરવ' અંતર્ગત બુથ અને તાલુકા ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. આજે સૌરાષ્‍ટ્ર માટે વરિષ્‍ઠ કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં સોમનાથથી કોંગ્રેસે ચુંટણીલક્ષી શંખનાદ કર્યો છે.

કોંગ્રેસે ઇલેકશન મેનેજમેન્‍ટ માટે મારો તાલુકા મારૂ ગૌરવ તથા મારૂ બુથ મારૂ ગૌરવના સૂત્ર સાથે બુથ અને તાલુકા ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે.

સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પદાધિકારીઓ, તમામ તાલુકા પ્રમુખ, હોદ્દેદારો, ધારાસભ્‍યો, ઇન્‍ચાર્જ પ્રભારીઓ સૌરાષ્‍ટ્રની તમામ વિધાનસભા બેઠકના નિરીક્ષકોની ઉપસ્‍થિતિમાં ૪૦૦ જેટલા મુખ્‍ય આગેવાનોની આજે ચાર વાગ્‍યે સોમનાથ ખાતે મહત્‍વની બેઠક મળશે. કાલે પણ બીજી બેઠક સોમનાથ ખાતે જ મળશે.

આજની બેઠકમાં ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિતના વરિષ્‍ઠ આગેવાનો ખાસ ઉપસ્‍થિત રહેશે.

આજે સવારે બાઇક રેલી તથા કાર રેલી યોજાઇ હતી અને સોમનાથ દાદાને ધ્‍વજા ચડાવીને સૌરાષ્‍ટ્રમાં કોંગ્રેસે ચુંટણીલક્ષી શંખનાદ કર્યો છે.

દરમિયાન આજની બેઠક અને ચુંટણીલક્ષી શંખનાદ અંગે કોંગ્રેસના મુખ્‍ય પ્રવકતા મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસનો આ નવતર પ્રયોગ છે. બેઠકમાં કોઇ મોટા ભાષણો કે પ્રવચનો નહી પરંતુ સંવાદ તથા કામની વહેંચણી ઉપર ધ્‍યાન અપાશે.

(11:38 am IST)