ગુજરાત
News of Wednesday, 23rd June 2021

લવ જેહાદનો કાયદો અમલમાં આવ્‍યો ત્‍યાં આણંદ જીલ્લાના ખંભાતમાં હિન્‍દુ યુવકે મુસ્‍લિમ યુવતિ સાથે લગ્ન કર્યાનો કિસ્‍સોઃ પત્‍નીએ પતિ માટે પોલીસ રક્ષણની માંગણી કરી

આણંદ: હિંદુ સહીત અલગ અલગ ધર્મની યુવતીઓને પટાવી-ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવી તેમની સાથે નિકાહ પઢાવી લેવાના અનેક બનાવ બનતાં હોય છે, ત્યારે ગુજરાત સરકારે લવજેહાદનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે, તેવામાં આણંદ જિલ્લાના ખંભાતમાં હિંદુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ લગ્ન બાદ યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી છે અને પોતાની ઇચ્છા અને રાજીખુશીથી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા હોવાનું જણાવ્યુ છે આ યુવતીએ તેના પરિવારજનો દ્વારા તેને તથા તેના પતિને જીવનું જોખમ હોવાનું જણાવ્યુ છે જેથી તેનો પોલીસ રક્ષણની માંગ પણ કરી છે.

ખંભાતની ૨૦ વર્ષીય મુસ્લીમ યુવતી ફરમીનબાનુ સૈયદે પોતાની મરજીથી ૧૯ જુનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. તેણે આ અરજીમાં જણાવ્યું છે કે તેના પરિજનો આ લગ્નથી વિરુદ્ધ હોઇ મને અને મારા પતીને જુદા કરવા હિંસક પ્રયત્નો કરી રહ્યા છે સાથે જ યુવતીએ અરજીમાં પોતાના પિયરપક્ષના પરિજનો પતી અને તેમના માતા પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી રહ્યા છે. યુવતીએ જણાવ્યુ છે કે તેણે પોતાની ઇચ્છાથી પહરેલ કપડે પોતાના પિતાનું એટલે કે પિયરનું ઘર છોડી દીધુ છે.

મુસ્લીમ યુવતી ફરમીને આ બાબતે લેખિત અરજીમાં પોતાના પિતા ફુરકાન સૈયદ તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ, સહીત તાકીર સૈયદ, ફીરોઝ પઠાણ, સોહીલ કાંટો, સદ્દામ સૈયદ, હમ્દાનઅલી સૈયદ, તૌસીફ સૈયદ, જમશેદ પઠાણથી ભય હોવાનું જણાવ્યુ છે.

મહત્વનું છે કે યુવતીએ સમગ્ર બાબતે ૩૦ સેકન્ડનો વિડીયો બનાવ્યો છે જે સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.જેમાં તેણે પોતાની ઉંમર ૨૦ વર્ષના હોવાનું જણાવી પોતાના નિર્ણય લેવા માટે સક્ષમ હોવાનું જણાવ્યુ છે, સાથે જ આ લગ્ન  કોઇ દબાણ વગર કર્યા હોવાનું પણ કહ્યુ છે.

(5:12 pm IST)